Gujarat

કપડવંજના ઘઉંઆ ગામથી શહેર વચ્ચે એસટી બસ સેવા શરૂ કરવા રજૂઆત

By GS TEAM
11 Mar 20262 mins read
કપડવંજના ઘઉંઆ ગામથી શહેર વચ્ચે એસટી બસ સેવા શરૂ કરવા રજૂઆત

- આ રૂટ પર સરકારી બસની કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં

- બસ પકડવા માટે મુખ્ય હાઇવે સુધી ગ્રામજનોને બે કિલોમીટર સુધી પગપાળા ચાલવાની નોબત

નડિયાદ : ખેડા જિલ્લાના કપડવંજના ઘઉંઆ ગામમાં એસ.ટી. બસ ન જતી હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડે છે. હાલમાં આ રૂટ પર સરકારી બસની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. આ સમસ્યાના કારણે ગ્રામજનોને બસ પકડવા માટે મુખ્ય હાઇવે સુધી આશરે બે કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડે છે. ગામના યુવાને આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા ઘઉંઆ ગામના યુવક કમલેશ ચૌહાણે ઘઉંઆ ગામ અને કપડવંજ શહેર વચ્ચે જીએસઆરટીસીની નિયમિત બસ સેવા શરૂ કરવા માટે સ્થાનિક ધારાસભ્ય અને અન્ય સબંધિત વિભાગોમાં લેખિતમાં અરજી કરી છે. તેમણે જણાવ્યું છે કે, હાલમાં આ રૂટ પર સરકારી બસની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. આ સમસ્યાના કારણે ગ્રામજનોને બસ પકડવા માટે મુખ્ય હાઇવે સુધી આશરે ૨ કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડે છે, જે વૃદ્ધો, મહિલાઓ અને બીમાર વ્યક્તિઓ માટે અત્યંત મુશ્કેલ અને જોખમી સાબિત થઈ રહ્યું છે. ખાસ કરીને ઉનાળાની ગરમી અને ચોમાસાના વરસાદ દરમિયાન લોકોની સ્થિતિ વધુ કફોડી બને છે. 

ઘઉંઆ અને તેની આસપાસના ગામોમાંથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ માટે અને નોકરિયાતો તેમજ વેપારીઓ કપડવંજ શહેર ખાતે અવરજવર કરે છે. બસની સુવિધા ન હોવાથી લોકોને ફરજિયાતપણે ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડે છે, જેના કારણે આથક નુકસાન પણ વેઠવું પડે છે. જે મામલે ધારાસબભ્ય સહિત મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી અને એસટી નિગમના મેનેજિંગ ડિરેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી સીધી બસ સેવા શરૂ કરવાની માંગ કરી છે