સાણંદ જીઆઈડીસીના એકમોએ ગ્રામ પંચાયત પાસે પ્રોપર્ટી ટેક્સનું રિફંડ માગ્યું

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશને ત્રણ ગ્રામ પંચાયતોને પત્ર લખીને પ્રોપર્ટી ટેક્સના રિફંડની માગણી કરી છે. સાણંદ જીઆઈડીસીમાં કામકાજ ચાલુ કર્યાના પહેલા પાંચ વર્ષ દરમિયાન જમા કરાવવામાં આવેલા પ્રોપર્ટી ટેક્સની રકમનું રિફંડ માગ્યું છે. હિરાપુર, ચરળ અને બોળ નામના ત્રણ ગ્રામપંચાયતો પાસેથી પ્રોપર્ટી ટેક્સના નાણાં પાછા માગ્યા છે. આ ત્રણ ગામની સીમામાં જ સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પથરાયેલી છે.
સાણંદ પછી સમગ્ર ગુજરાત રાજ્યની જીઆઈડીસી તરફથી ગ્રામ પંચાયતો પાસેથી પ્રોપર્ટી ટેક્સની રકમ પરત માગવામાં આવે તેવી સંભાવના છે. કારણ કે ગુજરાત હાઈકોર્ટે માર્ચ ૨૦૨૫માં એક ઓર્ડર આપ્યો છે. એક સોલાર કંપનીના સંદર્ભમાં આપેલા ઓર્ડરમાં ગ્રામ પંચાયત દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસૂલવા વિરુદ્ધનો ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો છે. ગુજરાત હાઈકોર્ટે સોલાર પાવર સાથે સકળાયેલી કંપની પાસેથી વસૂલવામાં આવેલો પ્રોપર્ટી ટેક્સ બે જ અઠવાડિયામાં પરત કરી દેવા ગ્રામ પંચાયતોને આદેશ કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટે તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે ગુજરાત ગ્રામ પંચાયત અને નગર પંચાયતો ટેક્સ અને ફી અંગેના ૧૯૬૪ના નિયમ નંબર ૭ના પેટા નિયમ નંબર ૩માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ જમીન અને મકાનની માલિકી નવા ઉદ્યોગની હોય તો તેવા સંજોગોમાં પેટા નિયમ નંબર ૩માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ પાંચ વર્ષ સુધી તેના પર પ્રોપર્ટી ટેક્સ વસૂલી શકાતો નથી.
હાઈકોર્ટના ઓર્ડરને પરિણામે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશને ત્રણ ગ્રામ પંચાયતને પત્ર લખ્યો છે. આ પત્રમાં ગુજરાત ગ્રામ પંચાયત અને નગર પંચાયતો ટેક્સ અને ફીના નિયમ સાતના પેટા નિયમ નંબર ૩માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ નવા ઔદ્યોગિક એકમોને કામકાજના પહેલા પાંચ વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સમાંથી માફી આપવામાં આવે છે. તેથી તેમની પાસેથી વસૂલેલો પ્રોપર્ટી ટેક્સ કાયદેસર નથી.૨૦૧૫-૧૬માં સાણંદ જીઆઈડીસીની ફેક્ટરીઓ ચાલુ થઈ તે સાથે જ ત્રણેય ગ્રામ પંચાયતોએ તેમની પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનું ચાલુ કરી દીધું હતું. વાસ્તવમાં ફેક્ટરી ચાલુ થયાના પાંચ વર્ષ બાદ તેઓ ટેક્સ કલેક્ટ કરી શકે છે.
ઉપરોક્ત ત્રણેય ગ્રામ પંચાયતોએ ઔદ્યોગિક એકમોને તેમણે પ્રોપર્ટી ટેક્સ જમા ન કરાવ્યો હોવાની નોટિસો પણ મોકલી હતી. આ ત્રણ ગામને મળીને ઔદ્યોગિક એકમોએ રૃ. ૫૦ કરોડથી વધુ રકમની માગણા નોટિસ ઇશ્યૂ કરવામાં આવેલી છે. તેમાંથી રૃ. ૨૦ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ જમા આપી દેવામાં આવેલો છે. તેથી પરત લેવાના તૈયારી કરવામાં આવીરહી છે. જોકે ટેક્સની કેટલી રકમનું રિફંડ માગવું તેની ગણતરી કરવાની હજી બાકી છે. આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન તેને માટે ગુજરાત હાઈકોર્ટમા પણ ં જશે. વાસ્તવમા ફેક્ટરીમાં ઉત્પાદન ચાલુ કરે તેના પાંચ વર્ષ બાદ ટેક્સ વસૂલવાનું ચાલુ કરી શકે છે.
ઔદ્યોગિક એકમોને પ્રોપર્ટી ટેક્સ માટે પહેલા પાંચ વર્ષ દરમિયાન નોટિસો આપવાનું બંધ કરી દેવા પણ જણાવ્યું છે. ગ્રામ પંચાયતો રિફંડ નહિ આપે તો તેવા સંજોગોમાં સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ગુજરાત હાઈકોર્ટમાં જશે. ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશને પણ જીઆઈડીસી એસ્ટેટમાં લેવાતા બેવડા વેરાનો વિરોધ કરતી પિટીશન ગુજરાત હાઈકોર્ટમાં ફાઈલ કરી છે. આ પિટીશનના સંદર્ભમાં ગુજરાત સરકાર તરફથી જવાબ જ ફાઈલ ન કરવામાં આવતો હોવાથી કેસ પેન્ડિંગ છે.
સાણંદ જીઆઈડીસીમાં સક્રિય તમામ ઔદ્યોગિક એકમો જીઆઈડીસીને સવસ ચાર્જ પેટે રકમ ચૂકવે જ છે. ઔદ્યોગિક એકમોને પાણી, સ્ટ્રીટ લાઈટ અને ગંદા પાણીના નિકાલની સુવિધા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-જીઆઈડીસી તરફથી આપવામાં આવે છે. ગ્રામ પંચાયતો આ સુવિધા આપતી ન હોવાથી તેમની પાસેેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો કોઈ જ અધિકાર ગ્રામપંચાયતોને નથી.









