Gujarat

નવી શરતની જમીનોના હેતુફેર માટે વડોદરામાં ૧૦ માસમાં જ રૃા.૨૪૨ કરોડના પ્રિમિયમની વસૂલાત

By GS TEAM
10 Nov 20251 min read
નવી શરતની જમીનોના હેતુફેર માટે  વડોદરામાં ૧૦ માસમાં જ રૃા.૨૪૨ કરોડના પ્રિમિયમની વસૂલાત

વડોદરા, તા.10 વડોદરા કલેક્ટર કચેરીમાં ગણોતધારા કલમ-૪૩ તેમજ નવી શરતની જમીનોને જૂની શરતમાં ફેરવવા માટેની અરજીઓ સામે માત્ર ૧૦ માસમાં જ રૃા.૨૪૨ કરોડથી વધુ રકમના પ્રિમિયમની વસૂલાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે મહેસૂલ વિભાગના આઇઓઆરએ પોર્ટલ પર રજૂ થતી બિનખેતી સહિતની અરજીઓમાં અત્યાર સુધી સૌથી વધુ અરજીઓનો નિકાલ માત્ર ૧૦ માસમાં કરવામાં આવ્યો હોય તેવો દાવો કરાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ-૨૦૨૫માં ૫૮૫૯ અરજીઓ પૈકી ૬૪ ટકા એટલે ક ૩૭૩૭ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જે એક વર્ષમાં મંજૂર થયેલી અરજીઓમાં સર્વાધિક છે.

મહેસૂલી કોર્ટમાં આવતા આરટીએસ કે સીટીએસ પેન્ડિંગ કેસો છેલ્લા છ વર્ષ દરમિયાન ઘણા હતાં પરંતુ ચાલુ વર્ષમાં વિશેષ કોર્ટો બનાવવામાં આવી હતી અને વર્ષોના બાકી ૨૫૦૧ કેસો પૈકી ૧૯૪૭ કેસોનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષમાં વધુ ૫૫૪ કેસો રજૂ થયા  હતા જે કેસો કોર્ટમાં ચાલી રહ્યા છે.

લેન્ડ ગ્રેબિંગમાં છેલ્લા છ વર્ષમાં  આવેલી  ૯૭૦ અરજીઓ પેન્ડિંગ હતી જેનો નિર્ણય માત્ર એક વર્ષમાં જ કરી ૯૨૭ અરજીઓનો નિકાલ કરાયો હતો. વર્ષ-૨૦૨૫માં સરકારી જમીનમાં થયેલ અનઅધિકૃત દબાણો અંગે ચાર જમીનોમાં કાર્યવાહી હાથ ધરી ૧૩.૦૭ હેક્ટર સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા  હતાં. કોર્ટ તેમજ સરકારી વિભાગો દ્વારા સરકારી નાણાંની વસૂલાત માટે રજૂ થતી દરખાસ્તોના ૧૫૨ કેસોમાં રૃા.૧૦૭ કરોડની રકમની સરકારી વસૂલાત કરવામાં આવી હતી.