Gujarat

ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય

By GS TEAM
3 Apr 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં વહીવટી તંત્ર અત્યારે ચૂંટણીના મોડમાં આવી ગયું છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, હાલ પૂરતી વસ્તી ગણતરીની કામગીરી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય

Census 2026-27: ગુજરાતમાં વહીવટી તંત્ર અત્યારે ચૂંટણીના મોડમાં આવી ગયું છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, હાલ પૂરતી વસ્તી ગણતરીની કામગીરી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત, દીવ-દમણ અને દાદરા નગર હવેલીના ડાયરેક્ટર ઑફ સેન્સસ ઓપરેશન સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને 5મી તારીખથી શરૂ થનારી વસ્તી ગણતરી(સેન્સસ)ની પ્રક્રિયા હવે ચૂંટણીઓની પૂર્ણાહુતિ બાદ હાથ ધરવામાં આવશે. હાલમાં શિક્ષકો અને અન્ય વહીવટી સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ હોવાથી આ પ્રક્રિયા પોસ્ટપોન (મોકૂફ) રાખવામાં આવી છે. ચૂંટણી કાર્ય પૂર્ણ થયા બાદ વસ્તી ગણતરીની કામગીરી ફરી શરૂ કરાશે. વિભાગની રજૂઆતને પગલે સરકાર દ્વારા આ અંગેનું સત્તાવાર ગેઝેટ બહાર પાડીને જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહત્ત્વનું જાહેરનામું


• જૂનો આદેશ રદ: ગુજરાત સરકારે સામાન્ય વહીવટ વિભાગના 2 ફેબ્રુઆરી, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામા(નંબર: GS/2026/02/GAD/VST/e-file/1/2026/0258/S)ને તાત્કાલિક અસરથી રદ કર્યો છે.

• કાયદાકીય જોગવાઈ: આ નિર્ણય 'ગુજરાત જનરલ ક્લોઝિસ ઍક્ટ, 1904'ની કલમ 21 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને લેવામાં આવ્યો છે.

• સત્તાવાર મંજૂરી: આ આદેશ ગુજરાતના રાજ્યપાલના નામથી ડેપ્યુટી સેક્રેટરી માયા એમ. ડાભી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.



ચૂંટણીના કારણે કેમ લેવાયો નિર્ણય?

વસ્તી ગણતરી અને ચૂંટણી બંને પ્રક્રિયામાં મોટાભાગે શિક્ષકો અને મહેસૂલી કર્મચારીઓની જરૂર પડતી હોય છે. એકસાથે બે મોટી જવાબદારીઓ સંભાળવી કર્મચારીઓ માટે મુશ્કેલ હોવાથી અને ચૂંટણીની કામગીરી અતિ મહત્ત્વની હોવાથી સરકારે વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાને હાલ પૂરતો અટકાવ્યો છે.

ચૂંટણી ડ્યુટીમાં લાખો કર્મચારીઓ રોકાયેલા હોવાથી વસ્તી ગણતરી માટે સ્ટાફ ફાળવવો મુશ્કેલ બન્યો છે. રાજ્યમાં ચૂંટણીને કારણે આચારસંહિતા અમલી હોવાથી સરકારી તંત્રનું પૂરું ધ્યાન કાયદો અને વ્યવસ્થા તેમજ મતદાન પ્રક્રિયા પર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મે મહિનામાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વસ્તી ગણતરીનું કામ ફરીથી નવા ટાઇમટેબલ સાથે શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં વસ્તી ગણતરી(Census 2026-27)ના પ્રથમ તબક્કાની કામગીરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બંને એકસાથે આવતા હોવાથી વહીવટી પ્રક્રિયામાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોના જંગ વચ્ચે વસ્તી ગણતરી પાછી ઠેલાતા હવે આ કામગીરી વેકેશનના ગાળામાં અથવા ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.