Get The App

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા : કુલ રૂ.12,920નો મુદ્દામાલ જપ્ત

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા : કુલ રૂ.12,920નો મુદ્દામાલ જપ્ત 1 - image

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં કાલાવડ, લાલપુર અને જામજોધપુર વિસ્તારમાં પોલીસ દ્વારા જુગાર વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે એક જ દિવસે ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 12,920નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પ્રથમ બનાવમાં કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં મોટા વડાળા ગામ પાસે જાહેર જગ્યાએ “તીનપત્તી” જુગાર રમતા આરોપીઓ ઝડપાયા હતા. પોલીસે રૂપિયા 12,220 રોકડા તેમજ ગંજીપત્તાના પાના સાથે મનીષભાઈ હરમુખભાઈ શ્રીમાળી, આરિફભાઈ નુરમામદભાઈ મોગલ, મુખ્તારભાઈ અલારખાભાઈ મોગલ, શિકંદરભાઈ ઇસ્માઈલભાઈ મુલતાની, મકદુમભાઈ રહિમભાઈ મુલતાનીની ધરપકડ કરાઈ છે. આ બનાવમાં દીપકભાઈ ઉર્ફે કે.કે.પ્રફુલભાઈ ગોંડલિયા ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં લાલપુર ખાતે જાહેર માર્ગ પર “વર્લી મટકા” જુગાર ચલાવતા સત્તાર ગુલમામદ સાટી નામના આરોપીને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા 480 રોકડા તેમજ આંકડા લખેલ કાપલી અને બોલપેન જપ્ત કર્યા હતા.

ત્રીજા બનાવમાં જામજોધપુર તાલુકાના પાટણ ગામે બસ સ્ટેન્ડ પાસે “વર્લી મટકા” રમતા શૈલેષભાઈ ઉકાભાઈ પરમાર નામના આરોપીને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા 220 રોકડા તથા અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

ત્રણેય બનાવોમાં પોલીસે જુગાર અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનાઓ નોંધ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ દ્વારા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે, તેમજ ફરાર આરોપીને ઝડપવા માટે સઘન તપાસ ચાલી રહી છે.