Gujarat

બહિયલમાં પોલીસનો દરોડો ઃ ગૌવંશની કતલ કરતા ૩ શખ્સો રંગેહાથ ઝડપાયા

By GS TEAM
2 Mar 20262 mins read
બહિયલમાં પોલીસનો દરોડો ઃ ગૌવંશની કતલ કરતા ૩ શખ્સો રંગેહાથ ઝડપાયા

સ્થાનિકોએ ઘરમાં જ કતલખાનું ચાલતું હોવાની ફરિયાદ કરતાં

૨૦ કિલો ગૌમાંસ જપ્ત કરીને પોલીસે ચાર સામે ગુનો દાખલ કરીને વાછરડું આપી જનારની શોધખોળ આદરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ગેરકાયદેસર ગૌવંશની કતલ થતી હોવાની સ્થાનિકોની ફરિયાદ બાદ પોલીસે રવિવારની રાત્રે એક મકાન પર દરોડો પાડીને ગૌવંશની કતલ કરતા ત્રણ શખ્સોને ૨૦ કિલો ગૌમાંસ અને કતલના સાધનો સાથે ઝડપી પાડયા છે. આ મામલે કુલ ચાર શખ્સો વિરૃદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવરાત્રી પર્વ દરમિયાન કોમી અથડામણને કારણે વિવાદમાં આવેલા બહિયલ ગામમાં મકાનની અંદર જ ગૌવંશની કતલ થતી હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરતા દહેગામ પોલીસની ટીમ દોડતી થઈ હતી અને બાતમી મળી હતી કે, બહિયલ ગુજરાત કાંટા પાસે રહેતો સાદાબ સજ્જાદભાઈ મલેક પોતાના ઘરે ગેરકાયદેસર ગૌવંશની કતલ કરી રહ્યો છે અને તેનું માંસ વેચવાની પેરવીમાં છે. આ બાતમીના આધારે પોલીસ જ્યારે સાદાબ મલેકના ઘરે પહોંચી ત્યારે ઘરનો મુખ્ય દરવાજો બંધ હતો. પાછળના દરવાજેથી અંદર પ્રવેશતા પોલીસને ત્રણ શખ્સો માંસના કટિંગ સાથે મળી આવ્યા હતા. જેમની પૂછપરછ કરતા તે સાદાબ સજ્જાદભાઈ મલેક, મોઇન મુસ્તાકભાઇ ઉર્ફે મુસ્તુફામીયા સિપાઈ ,મહંમદપરવેજ જાકીરહુસેન કુરેશી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે કતલ માટે ગાયનું વાછરડું બહિયલ ગામનો સાહિદ હનીફભાઈ અરબ આપી ગયો હતો. જેને પોલીસે ફરાર જાહેર કરી શોધખોળ આદરી છે. પોલીસને આશરે ૨૦ કિલો માંસ મળી આવ્યું હતું. પાલુન્દ્રા પશુ દવાખાનાના ડોક્ટર સ્થળ પર આવી તપાસ કરતા આ માંસ ગૌમાંસ હોવાનું પુષ્ટિ કરી હતી. પોલીસે કતલ માટે વપરાયેલ ધાતુનો છરો, લાકડાનો ટબ્બો, ડિસમીસ, છરી અને તગારું જેવો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.