Get The App

અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત 1 - image


Ahmedabad Crime News: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓઢવ પોલીસે બાતમીના આધારે એસ.પી. રિંગ રોડ પર આવેલા એક સ્પામાં નકલી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો અને સ્પાના માલિક તથા મેનેજરની અટકાત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નકલી ગ્રાહક મોકલીને પાર પાડ્યું ઓપરેશન

મળતી માહિતી અનુસાર, ઓઢવ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે એસ.પી. રિંગ રોડ પર આવેલા 'ન્યૂ લૂક સ્પા'માં ગ્રાહકોને પૈસાના બદલામાં જાતીય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ માહિતીની ખરાઈ કરવા માટે પોલીસે એક નકલી ગ્રાહક તૈયાર કરીને સ્પામાં મોકલ્યો હતો. નકલી ગ્રાહકે મેનેજર સાથે વાટાઘાટો કરી પૈસા આપતા જ પોલીસે પંચ સાક્ષીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ સાથે 13મી મેના રોજ દરોડો પાડ્યો હતો.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત

પરપ્રાંતિય મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલવાનો કારસો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સ્પાના માલિક 39 વર્ષીય મનીષ કુમાર પંચાલ પર રાજ્યની બહારથી મહિલાઓને લાવી, નોકરીની લાલચ આપી દેહવ્યાપારમાં ધકેલવાનો આરોપ છે. જ્યારે મેનેજર રહીમ રાજકુમાર બોરજોલા જે ત્રિપુરાનો તેની પણ અટકાયત કરી છે. દરોડા દરમિયાન સ્પાના વિવિધ રૂમમાંથી પોલીસને કેટલીક મહિલાઓ અને ગ્રાહકો મળી આવ્યા હતા. કેટલીક મહિલાઓ મૂળ ત્રિપુરાની છે અને તેમને દર મહિને 15000થી 18000 રૂપિયા સુધીનો પગાર આપીને આ અનૈતિક કામમાં લગાડવામાં આવી હતી.

પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને અન્ય પુરાવા જપ્ત કર્યા છે. સ્પાના માલિક અને મેનેજર સામે દેહવ્યાપાર નિવારણ અધિનિયમ (PITA Act) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.