Get The App

ગોંડલ પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર સામે ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
ગોંડલ પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર સામે ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ 1 - image

મોવિયા નજીક અકસ્માતની ઘટનાનું પંચનામું કરતી પોલીસ સાથે બોલાચાલી :  'હું ભૂપત ડાભીનો ભત્રીજો નીરજ ચંદુ ડાભી છુ, તમને બધાને દોડતા કરી દઈશ' કહી પોલીસસ્ટાફને દમ માર્યો 

ગોંડલ, :  ગોંડલ તાલુકાના મોવિયા ગામથી આગળ પરબેશ્વર મહાદેવ મંદિર પાસે  અકસ્માત બનાવ અંગે પોલીસ પંચનામા કાર્યવાહી કરી રહી હતી ત્યારે કારમાં આવેલા ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, વર્તમાન પાલિકા સદસ્ય ચંદુ ડાભીના પુત્રે પોલીસની કાર્યવાહીમાં દખલ કરી ધાક ધમકી આપતા પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે. 

ગોંડલ તાલુકા પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હેમલભાઈ બોરિચાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મોવિયાના પરબેશ્વર મહાદેવ મંદિર આગળ વાસાવડ રોડ પર બનેલી અકસ્માતની ઘટનાનું પંચનામુ કરવા તેઓ કોન્સ્ટેબલ જયેન્દ્રભાઈ અને દિવ્યેશભાઈ ગયા હતા આ સ્થળે સાહેદને બોલાવી કાર્યવાહી કરતા હતા એ જ વખતે એક વ્યકિત સિલ્વર કલરની ફોર વ્હીલ લઈને આવી કહેવા લાગ્યો હતો કે તમે શું કરો છો ? આથી તેને ગુના બાબતે સઘળી હકીકત જણાવી હતી. 

એ પછી પણ આ શખ્સ મોબાઈલ ફોનમાં તમામના ફોટા પાડવા લાગતા  અમારી કાર્યવાહીમાં અવરોધ ન કરો એમ કહેતા જ આ વ્યકિત ઉશ્કેરાઈ જઈને કહેવા લાગ્યો હતો કે હું કોણ છું, તમે મને ઓળખો છો ? હેુ ભૂપત ડાભીનો ભત્રીજો નીરજ ચંદુ ડાભી છું, અમારા ભૂતકાળ જોઈ લેજો, તમે આ પંચનામા બંધ કરીને અહીંથી નીકળો એમ કહીને જાહેરમાં પોલીસ સ્ટાફને અપમાનિત કરીને અપશબ્દો બોલી કહેવા લાગ્યો હતો કે તમને બધાને જોઈ લઈશ, તમને બધાને દોડતા કરી દઈશ, આથી પંચનામાંના સાહેદ રાજુભાઈ ઝાલાએ તેને શાંત પાડીને સમજાવી રવાના કરી દીધો હતો. આ બનાવ અંગે પોલીસેે આરોપી સામે કાર્યવાહી કરી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.