Gujarat

પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો

By GS TEAM
12 Sep 20252 mins read
પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો

ગાંધીનગર નજીક ચિલોડા - હિંમતનગર હાઇવે ઉપર

વિદેશી દારૃની ૧,૦૫૬ બોટલો સાથે કુલ ૨.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કરીને શોધખોળ શરૃ કરવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ચંદ્રાલા પાસે પોલીસે બાતમીને પગલે દારૃ ભરેલા ડાલાને ઉભું રાખવાનો પ્રયત્ન કરતા તેને ભગાવી દેવામાં આવ્યું હતું અને પોલીસો પીછો કરતા મહુન્દ્રા બ્રિજ પાસે ડાલુ મૂકીને બુટલેગર ફરાર થઈ ગયો હતો. જેમાંથી વિદેશી દારૃની ૧૦૫૬ જેટલી બોટલ મળી આવી હતી.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે આ સ્થિતિમાં ગઈકાલે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, એક ડાલામાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે અને તે પ્રાંતિજ તરફથી આવી રહ્યું છે. જે મોટા ચિલોડા તરફ જવાનું છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા ચંદ્રાલા પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમીવાળું ડાલું આવતા તેને ઊભા રહેવા માટે ઈશારો કરવામાં આવ્યો હતો. જોકે પોલીસને જોઈને તેનો ચાલક ઉભો રહ્યો ન હતો અને ડાલુ ભગાવી દીધું હતું જેના પગલે પોલીસ દ્વારા ખાનગી વાહનમાં તેનો પીછો શરૃ કરવામાં આવ્યો હતો. જેથી ડાલાના ચાલકે મહુન્દ્રા ગામના બ્રિજ પાસે આ ડાલુ મૂકી દીધું હતું અને અંધારાનો લાભ લઈ ખેતરમાં ભાગી છૂટયો હતો. પોલીસે ડાલામાં તપાસ કરતા વિદેશી દારૃની નાની મોટી ૧૦૫૬ જેટલી બોટલ મળી આવી હતી. જેથી દારૃ અને ડાલુ મળીને કુલ ૨.૯૮ લાખ રૃપિયાનો મુદ્દા માલ કબજે કરી લેવામાં આવ્યો હતો અને તેના નંબરના આધારે બુટલેગરની શોધખોળ શરૃ કરવામાં આવી છે.