Get The App

વડોદરાના મંદિરોમાં ત્રાટકી દાનપેટીની ચોરી કરનાર ટોળકીના બે સાગરિતો પોલીસ ઝબ્બે

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના મંદિરોમાં ત્રાટકી દાનપેટીની ચોરી કરનાર ટોળકીના બે સાગરિતો પોલીસ ઝબ્બે 1 - image

Vadodara Police : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા બે મંદિરોમાં ચોરી કરી દાનપેટીમાંથી રોકડ રકમ ઉઠાવી જનાર ટોળકીના ચાર સભ્યો પૈકી બેને પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે અનેક ગુનાઓમાં સંડોવાયેલા બેની શોધખોળ હાથ ધરી છે.

 પ્રાપ્ત માહિતી મુજબ માંજલપુર સ્મશાન પાસે આવેલ જલારામ મંદિર તેમજ જ્યુપીટર ચોકડી રસ્તા પરના સાંઇ મંદિરમાં મૂકેલી કુલ ત્રણ દાનપેટીઓમાંથી દોઢ લાખ રૂપિયાથી વધુ રકમની રોકડ દાનની ચોરી થઇ હતી. આ ચોરીની ફરિયાદના આધારે માંજલપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સો હોવાનું જણાયું હતું. જેના પગલે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું.

 

સીસીટીવી ફૂટેજમાં દેખાતા ચાર પૈકી બે શખ્સો માંજલપુર જ્યુપીટર ચાર રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઝડપાતા બંનેની પૂછપરછ કરતાં બંનેએ અન્ય આરોપીઓ સાથે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોતાની પાસે ખર્ચના પૈસા નહી હોવાથી બે સાગરીતોના કહેવાથી ચોરીમાં ભાગ લીધો હતો. પોલીસે આકાશ ભગવાનભાઇ વારકે (રહે.જ્યુપીટર ચાર રસ્તા પાસે, વડસરરોડ) અને રાહુલ પ્રફુલ રાઠોડ (રહે.શિવરામનગર, અલવાનાકા, માંજલપુર)ની ધરપકડ કરી હતી. આકાશ વારકે સામે માંજલપુરમાં ચોરી તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો.

 ઝડપાયેલા બંને મંદિરચોરના સાગરીતોના નામ અનિલ ઉર્ફે પીન્ટુ લક્ષ્મણભાઇ બાવીસ્કર (રહે.અમરનગર, જીઆઇડીસીરોડ) અને અશ્વિન રાઠવા જાણવા મળ્યું હતું. અનિલ ઉર્ફે પીન્ટુ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં જ ચોરી, જુગાર સહિત 14 ગુના દાખલ થયા છે. પોલીસે ફરાર બંનેની પણ શોધખોળ હાથ ધરી છે.