Baroda

વડોદરા: ઉત્તરાખંડ સુધી જઈ પૂર્ણ કરાઈ બાળકના પુનઃમિલનની પ્રક્રિયા

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં 5 મહિનાથી સંસ્થામાં રહેલા 11 વર્ષના બાળકનું પરિવાર સાથે સફળતાપૂર્વક પુનઃમિલન કરાવાયું છે. ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, સમાજ સુરક્ષા સંકુલ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રયાસોથી આ શક્ય બન્યું. બાળક 1 ફેબ્રુઆરીએ ચાઈલ્ડ લાઈન અને RPF દ્વારા સંકુલમાં લવાયું હતું. તેના પિતાનું અવસાન થયું છે અને માતા મજૂરી કરે છે. ઉત્તરાખંડમાં રહેતા સંબંધીઓએ શરૂઆતમાં જવાબદારી ન સ્વીકારી, પરંતુ સંસ્થાના કર્મચારીઓએ ત્યાં જઈ કાયદાકીય પ્રક્રિયા બાદ બાળકને પરિવારને સોંપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ઉત્તરાખંડ સુધી જઈ પૂર્ણ કરાઈ બાળકના પુનઃમિલનની પ્રક્રિયા

Vadodara: વડોદરા ચાઇલ્ડ વેલફેર કમિટી, સમાજ સુરક્ષા સંકુલ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU)ના સંયુક્ત પ્રયાસોના પરિણામે પાંચ મહિનાથી સંસ્થામાં રહેલા 11 વર્ષના બાળકનું તેના પરિવાર સાથે સફળતાપૂર્વક પુનઃમિલન કરાવવામાં આવ્યું છે.

ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અધ્યક્ષ મેહુલ લાખણીના જણાવાયા મુજબ તારીખ 1 ફેબ્રુઆરીએ બાળકને ચાઇલ્ડ લાઇન અને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા સમાજ સુરક્ષા સંકુલમાં લાવવામાં આવ્યો હતો. બાળક પોતાના કાકાના ઘરેથી ભાગી ગયો હતો. ત્યારબાદ સમાજ સુરક્ષા સંકુલના સ્ટાફ અને ડીસીપીયુ દ્વારા તેના પરિવારનો સંપર્ક સાધવા તેમજ પરિવારજનોને શોધવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
બાળકને પાંચ મહિના સુધી નિયમિત કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાળકના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને તેની માતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળક અગાઉ પણ અનેક વખત ઘરેથી ભાગી ગયો હતો તેમજ હરિયાણાના એક બાળ આશ્રમમાં પણ રહી ચૂક્યો હતો.
વધુ તપાસમાં બાળકના સંબંધીઓ ઉત્તરાખંડના કિચ્છા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવતા સમાજ સુરક્ષા સંકુલ અને ડીસીપીયુ દ્વારા ત્યાંના સંબંધીઓ સાથે સંકલન કરવામાં આવ્યું હતું. જોકે શરૂઆતમાં પરિવારના સભ્યોએ બાળકની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ઉપરાંત ઉત્તરાખંડની કોઈપણ સંસ્થાએ બાળકને લેવા માટે વડોદરા આવવાની સંમતિ આપી ન હતી.
આ પરિસ્થિતિમાં સમાજ સુરક્ષા સંકુલના કર્મચારીઓ અને ડીસીપીયુના પ્રતિનિધિઓએ જાતે ઉત્તરાખંડ સુધી પ્રવાસ કરીને બાળકના પુનઃસ્થાપનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જરૂરી કાનૂની અને વહીવટી કાર્યવાહી બાદ બાળકનું સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.