Get The App

જામનગરમાં પટેલ કોલોનીમાં ફાયર NOC ના અભાવે પીઝા જંકશન ફૂડ જંકશન સીલ : બાંહેધરી બાદ સીલ ખોલાયું

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં પટેલ કોલોનીમાં ફાયર NOC ના અભાવે પીઝા જંકશન ફૂડ જંકશન સીલ : બાંહેધરી બાદ સીલ ખોલાયું 1 - image

Jamnagar Fire Safety : જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ અને એસ્ટેટ શાખાની સંયુક્ત ટીમ દ્વારા શહેરની હોટલો, રેસ્ટોરન્ટો અને ફૂડ જંકશનોમાં સુરક્ષા નિયમોના પાલનની ચકાસણી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ સહિતના જરૂરી દસ્તાવેજો વગર ચાલતી સંસ્થાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઝુંબેશ અંતર્ગત ગુરૂવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાંચ જેટલા પીઝા અને ફૂડ જંકશનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પટેલ કોલોની વિસ્તારમાં આવેલી પીઝા જંકશન ફૂડ જંકશનમાં નિયમોના ઉલ્લંઘન અને જરૂરી મંજૂરીઓ અંગેની ખામી સામે આવતાં મહાનગરપાલિકાની ટીમે તેને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી હતી. અચાનક થયેલી કાર્યવાહીના પગલે સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ રેસ્ટોરન્ટના માલિકો દ્વારા તમામ નિયમોનું પાલન કરવાની તેમજ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો રજૂ કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. સંચાલકોની રજૂઆત અને બાંહેધરીને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના તંત્રએ મોડી સાંજે રેસ્ટોરન્ટનું સીલ ખોલી આપ્યું હતું.

મહાનગરપાલિકાની આ કાર્યવાહી બાદ શહેરમાં નિયમોનું પાલન કર્યા વગર ધંધો ચલાવતા અન્ય વેપારીઓ અને સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી ચકાસણી અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.