Gujarat

વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા

By GS TEAM
14 Feb 20261 min read
વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા

- જાળવણીના અભાવે સદી જુનો પુલ ધરાશાયી થવાની શરૂઆત

- ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે પુલ બંધ કરતા જાનહાની ટળી : કાટમાળ નદીમાં પડતા નીચે પસાર થતી પાણીની લાઇનને નુકસાન

સુરેન્દ્રનગર : વઢવાણ ધોળીપોળથી સુરેન્દ્રનગરને જોડતો અને ભોગાવો નદી પર આવેલો રાજાશાહી વખતનો ૧૦૦ વર્ષથી વધુ જૂનો પુલ અંતે જાળવણીના અભાવે તૂટી પડયો છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા આ પુલના પીલર અને બીમ ગતરોજ ધરાશાયી થયા હતા. 

પુલનો ભારેખમ કાટમાળ નદીમાં પડતા નીચેથી પસાર થતી પાણીની પાઇપલાઇનોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. સદનસીબે, ગંભીરા બ્રિજની ઘટના બાદ તંત્ર દ્વારા સર્વે કરી આ પુલને આઠ મહિના પહેલા જ અવરજવર માટે બંધ કરી દેવાયો હતો, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી છે.

રાજા રજવાડાઓ દ્વારા વઢવાણની જનતાની સુવિધા માટે બનાવાયેલો આ પુલ છેલ્લા કેટલાય સમયથી જોખમી બની ચૂક્યો હતો. પુલની એંગલો તૂટી ગઈ હતી અને પીલરોમાં તિરાડો પડી ગઈ હતી. તંત્રએ પુલ બંધ તો કરી દીધો, પરંતુ તેના રિનોવેશન કે સુરક્ષિત રીતે તોડી પાડવાની દિશામાં કોઈ કાર્યવાહી કરી નહોતી. અત્યારે પુલ એક બાજુથી નમી ગયો છે અને તેના ભાગો સતત ખરી રહ્યા છે. જો બાકીનો હિસ્સો પણ અચાનક તૂટી પડશે તો નદીમાં વધુ નુકસાન થવાની ભીતિ છે. સ્થાનિકોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આ જોખમી માળખાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે.