વડોદરામાં ઐતિહાસિક વિરાસતોની જાળવણી માટે તંત્રને ઢંઢોળવા કાલે સાંજે ધરણાં અને સૂત્રોચ્ચાર

- ન્યાયમંદિર ઈમારતમાં બરોડા સિટી મ્યુઝિયમ બનાવવાની કામગીરી જલ્દી પૂરી કરવા માંગ
વડોદરા, તા. 26
વડોદરામાં ઐતિહાસિક ન્યાયમંદિર ઇમારતમાં બરોડા સિટી મ્યુઝિયમ બનાવવાની કામગીરી સત્વરે પૂરી કરવા તેમજ ચાર દરવાજા વિસ્તારમાં ઐતિહાસિક વિરાસતો ની જાળવણી માટે ના કામો સમયસર પૂરા કરવાની માગણી સાથે તારીખ 27ના રોજ ધરણા કરવામાં આવશે. નવચેતના ફોરમ દ્વારા સાંજે પાંચ વાગે ધરણા અને સૂત્રોચ્ચાર કરીને તંત્રને વેળાસર આ કામગીરી પૂર્ણ કરવા ઢંઢોળવા પ્રયાસ કરવામાં આવશે. વડોદરા ની શોભા સમાન બેનમૂન ઇમારતો ,દરવાજા જીર્ણ-શીર્ણ થઈ રહ્યા છે. ઐતિહાસિક સ્થાપત્યની જાળવણી બરાબર કરાતી નથી. ન્યાયમંદિર પછી લહેરીપુરા દરવાજા અને માંડવીના પાયાના સ્તંભોમાં તિરાડો જોવા મળી છે. લહેરીપુરા દરવાજાની છત તુટી પડી તેને 6 મહિના થયા છે, હજુ રીપેરીંગ થયું નથી. માંડવીનો સ્તંભ તૂટશે તો માંડવીને વધુ નુકસાન થશે .બેંક રોડ પર પુરાણા રાધાવલ્લભ મંદિરનો ભાગ તૂટી ગયો છે.

પાણીગેટ દરવાજાનો દરવાજો જ કોઈએ કાઢી લીધો છે. આ તમામ વિરાસત બચાવવામાં થતાં વિલંબ સામે ધરણા કરવામાં આવશે. ચાર દરવાજાની પોળોના રહેણાંક વિસ્તારને ધંધાદારી વિસ્તાર બનતો અટકાવવા, ઐતિહાસિક ઈમારતો પર બેનરો નહીં લગાડવા, ચાર દરવાજા વિસ્તારમાં ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લી કરાવવા સહિતની માગણી પણ વિસ્તારના રહીશો દ્વારા કરાઈ છે અને જણાવ્યું છે કે ન્યાય મંદિર બનાવવાની વાતને ત્રણ વર્ષ થઈ ગયા. હવે ખરેખર કામ થાય તો સારું. જોકે તાજેતરમાં ન્યાયમંદિર અને લાલ કોર્ટ વડોદરા કોર્પોરેશનને સુપરત કરવાનો નિર્ણય લેવાયો છે.




