Gujarat

PG મેડિકલઃબીજા રાઉન્ડના પ્રવેશ રદ ૪૫૮ વિદ્યાર્થી મેરિટમાંથી દૂર કરાયા

By GS Team
1 Mar 20222 mins read
This article was originally published on 1 Mar 2022
PG મેડિકલઃબીજા રાઉન્ડના પ્રવેશ રદ ૪૫૮ વિદ્યાર્થી મેરિટમાંથી દૂર કરાયા

અમદાવાદ,

પીજી મેડિકલમાં પ્રવેશ માટેની રાજ્ય સરકારની  પ્રવેશ સમિતિની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ગઈકાલે જાહેર કરાયેલુ બીજા રાઉન્ડનુ સીટ એલોટમેન્ટ રદ કરી દેવાયુ છે.આ ઉપરાંત કેન્દ્ર સરકારની મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા ઓલ ઈન્ડિયા ક્વોટાના પ્રથમ અને બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધા છે તેઓની યાદી જાહેર કરી છે અને જેમાં ગુજરાતના સ્ટેટ ક્વોટામાં ભાગ લેનારા પણ અનેક વિદ્યાર્થીઓ છે.જેથી રાજ્ય સરકારની પ્રવેશ સમિતિએ મેરિટમાંથી આવા ૪૫૮ વિદ્યાર્થીઓને દૂર કરી દીધા છે અને હવે બીજા રાઉન્ડનું એલોટમેન્ટ ફરીથી કરવામા આવશે.

પીજી મેડિકલની સ્ટેટ ક્વોટાની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રાજ્ય સરકારની પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાયેલ મેરિટમાં ૩૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ હતા અને ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકોને બાદ કરતા ૧૪૦૦થી વધુ બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી. પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ કરાયા બાદ અને પ્રથમ રાઉન્ડ પુરો થયા બાદ પ્રવેશ સમિતિ દ્વારા બીજા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૃ કરી દેવાયુ હતુ પરંતુ કેન્દ્ર સરકારે ઓલ ઈન્ડિયા ક્વોટા માટે જ્યાં સુધી રાઉન્ડ પુરા ન થયા ત્યાં સુધી સ્ટેટ ક્વોટા માટે રાઉન્ડ ન કરવા આદેશ કર્યો હતો .જેને પગલે સ્ટેટ એડમિશન કમિટી બીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ કરી શકી ન હતી.ઘણા દિવસોથી એલોટમેન્ટ રોકાયેલુ હતુ અને ભારે વિલંબ થતા પ્રવેશ સમિતિએ ગઈકાલે સાંજે એકાએક બીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરી દીધુ હતુ.

પરંતુ થોડા જ સમયમાં કેન્દ્ર સરકારની મેડિકલ કાઉન્સેલિંગ કમિટીએ ઓલ ઈન્ડિયા ક્વોટાના પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર કર્યુ હતુ તેમજ સાથે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ઓલ ઈન્ડિયા ક્વોટામા બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી ચુકેલા વિદ્યાર્થીઓ હવે આગળના કોઈ પણ રાઉન્ડમાં ભાગ નહી લઈ શકે તેમજ તેઓની સીટ જતી પણ નહી કરી શકે.આમ  કેન્દ્ર સરકારની સૂચના આવતા પ્રવેશ સમિતિ ફસાઈ હતી અને પોતાની રીતે જાહેર કરેલુ બીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ કેન્સલ કરીને પાછુ ખેંચી લેવુ પડયુ હતુ.બીજા રાઉન્ડના તમામ પ્રવેશ રદ કરી દેવાયા હતા અને સાથે સ્ટેટ એડમિશન કમિટીએ કેન્દ્ર સરકારના લિસ્ટ મુજબ  સ્ટેટ ક્વોટાની પ્રક્રિયામાં મેરિટમાં સમાવિષ્ટ જે વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયામા પ્રવેશ લઈ લીધા છે તેવા ૪૫૮ વિદ્યાર્થીઓને મેરિટથી દૂર કરી દીધા છે.૪૫૮ વિદ્યાર્થીઓને મેરિટમાંથી બાકાત કરી દેવાયા છે અને બીજી માર્ચ સુધીનો સમય આ વિદ્યાર્થીઓને પોતાની કોઈ પણ રજૂઆત કે વાંધો રજૂ કરવા માટે અપાયો છે.હવે બીજા રાઉન્ડનું નવેસરથી સીટ એલોટમેન્ટ ૩જી માર્ચે અથવા ૪થી માર્ચે જાહેર કરવામા આવશે.