Gujarat

હળવદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, સ્ટેશન રોડ પર મેડિકલ વેસ્ટના ઢગલા

By GS TEAM
10 Feb 20262 mins read
હળવદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, સ્ટેશન રોડ પર મેડિકલ વેસ્ટના ઢગલા

સામાન્ય માણસોને દંડતું તંત્ર હોસ્પિટલના સંચાલકો સામે મૌન

જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમી કચરો ફેંકતા તત્વો વિરૃદ્ધ કડક કાર્યવાહીની ઉગ્ર માંગણી

હળવદહળવદ શહેરના રેલવે સ્ટેશન રોડ પર બેંક ઓફ બરોડા નજીક અજાણ્યા શખ્સો દ્વારા જાહેરમાં અમુક હોસ્પિટલો દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે. જેના પગલે રોગચાળો ફેલાવવાની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થવાની શક્યતાઓ ઊભી થઈ છે. વપરાયેલી સિરીંજ અને દવાઓની બોટલો જેવા જોખમી કચરાને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

પ્રદૂષણ નિયંત્રણ માટે તેમજ રોગચાળો ફેલાઈ નહીં તે માટે હોસ્પિટલ સહિત આરોગ્ય સંસ્થાઓમાં વાપરવામાં આવતા મેડિકલ વેસ્ટનો વૈજ્ઞાાાાનિક ઢબે નિકાલ કરવો ફરજિયાત કરવામાં આવ્યું છે જે માટે તમામ આરોગ્ય સંસ્થાઓને લાયસન્સ પણ લેવું પડે છે. એટલું જ નહીં મેડિકલ વેસ્ટના ડેટા પણ મેન્ટેઈન કરવાના હોય છે. પરંતુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આડેધડ મેડિકલ વસ્ટનો નિકાલ કરવામાં આવે છે જે જોખમી પુરવાર થઈ શકે છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે આ માત્ર ગંદકી નથી પરંતુ નાગરિકોના જીવ સાથેનો ખેલ છે. નગરપાલિકા અને આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ સામાન્ય નાગરિક ભૂલ કરે તો દંડ ફટકારતું તંત્ર અત્યારે કેમ ચૂપ છે? રહીશોએ ચેતવણી આપી છે કે જો આ જોખમી કચરો જલ્દી દૂર કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પશુઓ અને બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવા આ કચરાના નિકાલ માટે તંત્ર જાગે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.