Gujarat

41 ટકા શહેરીજનો સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી

By GS TEAM
28 May 20262 mins read
41 ટકા શહેરીજનો સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી

વડોદરાઃ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર હવે વિવિધ પ્રકારની  સરકારી સેવાઓનું ડિજિટાઈઝેશન કરી રહી છે અને લોકોને પણ તેનો ઉપયોગ કરવા માટે સલાહ આપી રહી છે.જોકે હકીકત એ છે કે, શહેરીજનોનો એક મોટો વર્ગ અલગ અલગ કારણસર ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતો નથી.

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સ્ટેટિસ્ટિક વિભાગના વિદ્યાર્થીઓ પદ્મિની દાસ, પ્રજલ શાહ, સ્મૃતિ વર્મા, શ્રધ્ધા વૈષ્ણવે અધ્યાપક કરણ પરમારના માર્ગદર્શન હેઠળ કરેલા એક સર્વેમાં ઉપરોક્ત તારણ સામે આવ્યું છે.વિદ્યાર્થીઓએ અલગ અલગ વિસ્તારમાં રહેતા ૩૫૦  વડોદરાવાસીઓના આ મુદ્દે અભિપ્રાય લીધા હતા અને તેમાં જાણવા મળ્યું હતું કે, ૮૬ ટકા લોકોને વિવિધ ઓનલાઈન સેવાઓની જાણકારી છે.આમ છતા ૪૧ ટકા શહેરીજનો સરકારની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી.ખાસ કરીને જેઓ ઓછુ ભણેલા છે અને ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરવો (ડિજિટલ લિટરસીનો અભાવ)તેની જાણકારી નથી તેવા લોકો સરકારી કચેરીઓમાં કામ માટે રુબરુ જાય છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ઓનલાઈન સેવાઓનો ઉપયોગ અને ભણતરને સીધો સબંધ જોવા મળ્યો છે.વધારે ભણેલા લોકોમાં ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ૭૬ ટકા હતી.ઓછુ ભણેલા લોકો માટે ઓનલાઈન સેવાઓ પહોંચની બહાર છે. સરકારે આ બાબતને ધ્યાનમાં લઈને તેમને ડિજિટલી શિક્ષિત કરવા માટે પ્રયાસો હાથ ધરવાની જરુર છે.

ઉપયોગ નહીં કરવાના કારણો

--૧૮ ટકા પાસે ઈન્ટરનેટ નથી

--૨૧ ટકાને ઓનલાઈન સર્વિસ પર ભરોસો નથી

--૨૧ ટકાને ડિજિટલ લિટરસીના અભાવે ઉપયોગ કરતા આવડતું નથી

--૩૧ ટકા સરકારી કચેરીમાં રુબરુ જવાનો જ વિકલ્પ પસંદ કરે છે

--૨૧ ટકા પાસે ઓનલાઈન સર્વિસ માટે યોગ્ય ડિવાઈસ જ નથી

--૩૪ ટકા કહે છે કે, અમને જરુર પડતી નથી

ઓનલાઈન સેવાઓના પોર્ટલ અને ડિઝાઈન યુઝર ફ્રેન્ડલી નથી

--૪૦ ટકા માને છે કે, ઓનલાઈન સેવાઓના પોર્ટલ યુઝર ફ્રેન્ડલી નથી, તેને વધારે સરળ બનાવવાની જરુર છે 

--૨૨ ટકાના કહેવા અનુસાર ઉપયોગ માટે સ્પષ્ટ સૂચનાઓ હોવી જોઈએ

--૨૧ ટકાને લાગે છે કે, સરકારી ઓનલાઈન સેવાઓ પર વધારે ઝડપથી ડેટા અને બીજી જાણકારી લોડ થવી જોઈએ, ટેકનિકલ ખામીઓ દૂર થવી જોઈએ

--૧૬ ટકાના મતે ઓનલાઈન  સેવાઓ સાથે જોડાયેલી કસ્ટમર સર્વિસમાં સુધારો કરવાની જરુર

--૧૪ ટકાના કહેવા પ્રમાણે સેવાઓ વિવિધ પ્રકારની ભાષાઓમાં હોવી જોઈએ