રસ્તા પર ખોદેલા ખાડાના કારણે અનેક વાહન ચાલકો પટકાયા
તંત્રની નિષ્ક્રિયતા સામે સૂત્રોચ્ચાર કરી બે દિવસમાં ઉકેલ નહીં આવે તો
સ્થાનિકોની ગ્રા.પં.ને તાળાબંધી કરવાની ચીમકી
હળવદ
- હળવદ તાલુકાના ચરાડવા ગામના વોર્ડ નંબર ૫માં રોડ નિર્માણની
કામગીરીમાં ચાલી રહેલી ઘોર બેદરકારી હવે ગ્રામજનો માટે મોટી આફત બની ગઈ છે. જિલ્લા
પંચાયત હસ્તક અંદાજે ૧૧ લાખ રૃપિયાના ખર્ચે શરૃ કરવામાં આવેલ આ રોડનું કામ છેલ્લા
દોઢ મહિનાથી ગોકળગાય ગતિએ ચાલતા લગભગ ઠપ્પ જેવી સ્થિતિમાં છે.
રોડની આ હાલતને કારણે ખાસ કરીને નાના બાળકો અને વડીલો માટે અવરજવર કરવી
અત્યંત જોખમી બની છે, જેને સ્થાનિકો 'જીવતો નરક' ગણાવી રહ્યા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યોે છે કે સ્થાનિક આગેવાનો અને
તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા
નથી. તંત્રની આ ઉદાસીનતા અને નિષ્ક્રિયતા સામે ગ્રામજનોએ એકઠા થઈને ઉગ્ર
સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જનતાનો આરોપ છે કે રોડ
કામમાં જે વિલંબ થઈ રહ્યો છે તેનાથી ગ્રામીણ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
આખરે,
તંગ બનેલી પરિસ્થિતિ વચ્ચે ગ્રામજનોએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે
કે જો આગામી બે દિવસમાં રોડની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી કામ પૂર્ણ કરવામાં નહીં
આવે, તો તેઓ ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરશે. આ આંદોલન
વધુ ઉગ્ર બનવાની શક્યતાને પગલે હવે તંત્રની કામગીરી પર સૌની મીટ મંડાયેલી છે.


