Get The App

પાટણમાં પોલીસ પહેરા સાથે નીકળેલા વરઘોડામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, 25 લોકો ઘાયલ

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
પાટણમાં પોલીસ પહેરા સાથે નીકળેલા વરઘોડામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, 25 લોકો ઘાયલ 1 - image

Patan News: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી નજીવી બાબતે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ થઈ, અગાઉના પ્રતિબંધ અને વિવાદોને ધ્યાને રાખી પોલીસ પહેરા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો પરંતુ અંગત ખાર રાખીને બે જૂથો સામસામે આવી જતાં મામલો ગરમાયો હતો. જોત જોતાંમાં હિંસક અથડામણમાં અંદાજે 25 જેટલા લોકો ઘાયલ થયા હતા. 

શું છે વિવાદનું મૂળ?

વાયડ ગામમાં વરઘોડો કાઢવા બાબતે લાંબા સમય સમાજ અને સ્થાનિક સ્તરે વિવાદ ઊભો થયો હતો. વરઘોડા પર પ્રતિબંધ હતો તેમ છતાં એક પરિવારે લગ્ન પ્રસંગે પોલીસ બંદોબસ્ત માંગી વરઘોડો કાઢ્યો હતો. પોલીસની હાજરી હતી એટલા માટે પહેલા તો માહોલ શાંત હતો, વરઘોડો પણ સંપન્ન થવાના આરે હતો. પરંતુ માતાજીના મંદિરે દર્શન કરીને  પરત ફરવાની તૈયારીમાં હતા ત્યારે કેટલાક શખ્સોએ હુમલો કરી દીધો હતો. પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ હિચકારો હુમલો કરવામાં આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

ધારિયા, લાકડીઓ અને પથ્થરોથી હુમલો

બનાવ સ્થળ પર હાજર એક સામાજિક આગેવાને કહ્યું હતું કે, જ્યારે પરિવારના 15-20 સભ્યો એકલા હતા ત્યારે બીજા જૂથના લોકોનું ટોળું હાથમાં ધારિયા, લાકડીઓ અને પથ્થરો લઈને ચડી આવ્યું હતું. કોઈને કઈ પણ સમજાય તે પહેલા જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેમાં મહિલા, બાળકો અને વડીલો પણ ઘાયલ થયા છે. 

25 ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ

સામે પક્ષે પણ વળતો પ્રહાર કરતાં અંદાજે 25 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. હાલ ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. કેટલાકને માથાને ભાગે વાગ્યું હોવાથી તબિયત નાજુક હોવાનું પણ માલુમ પડ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો વાયડ ગામમાં ઉતરી ગયો હતો. 

આ પણ વાંચો: વડોદરા: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવા માગ

રાયોટિંગનો ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ

હાલ ગામમાં અચંબાભરી શાંતિનો માહોલ છે, સ્થિતિ પોલીસે કાબૂમાં લઈ લીધી છે. સમગ્ર મામલે પોલીસે રાયોટિંગ અને હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હુમલાખોરોની ઓળખ કરવા સ્થાનિકો અને પીડિતોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પોલીસે ગામમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની અપીલ જાળવી રાખવા તેમજ આરોપીને ઝડપી જેલમાં ઘકેલી દેવામાં આવશે તેવી તાકીદ કરી છે.