Gujarat

પારડી હાઇવે પર અપહરણ-લૂંટ કેસ: દિલ્હીની ઝહરખુરાની ગેંગનો સાગરિત રાજસ્થાનથી ઝડપાયો!

By GS TEAM
19 Nov 20253 mins read
TukuTouch Logo
મૂળ સુરતના ઓલપાડના રહેવાસી અને મહારાષ્ટ્રના થાણેમાં EPFO ઓફિસમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હાર્દિક રામચંદ્રભાઈ પટેલના અપહરણ અને લૂંટ કેસમાં વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) મોટી સફળતા મેળવી છે. પારડીના ખડકી હાઈવે પર ભોજન બાદ કેફી પીણું પીવડાવી બેહોશ કરી કારમાં અપહરણ કરનાર દિલ્હીની આંતરરાજ્ય ઝેરખુરાની ગેંગના એક સાગરિતને રાજસ્થાનના જયપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પારડી હાઇવે પર અપહરણ-લૂંટ કેસ: દિલ્હીની ઝહરખુરાની ગેંગનો સાગરિત રાજસ્થાનથી ઝડપાયો!

Valsad Robbery And Kidnapping Case :  મૂળ સુરતના ઓલપાડના રહેવાસી અને મહારાષ્ટ્રના થાણેમાં EPFO ઓફિસમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હાર્દિક રામચંદ્રભાઈ પટેલના અપહરણ અને લૂંટ કેસમાં વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) મોટી સફળતા મેળવી છે. પારડીના ખડકી હાઈવે પર ભોજન બાદ કેફી પીણું પીવડાવી બેહોશ કરી કારમાં અપહરણ કરનાર દિલ્હીની આંતરરાજ્ય ઝેરખુરાની ગેંગના એક સાગરિતને રાજસ્થાનના જયપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે.

અધિકારીને કેફી પીણું પીવડાવી અપહરણ અને લૂંટ

ઓલપાડ જવા માટે થાણેથી પોતાની કારમાં નીકળેલા આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર હાર્દિક પટેલે ગત સપ્ટેમ્બર 2025ના રોજ રાઈડ શેરિંગ એપ્લિકેશન 'BLABLA' પર રાઈડ માટે પોસ્ટ કરી હતી. જેના આધારે રવિ અને જીતેન્દ્ર નામના બે શખ્સોએ સીટ બુક કરાવી હતી. થાણેથી કારમાં બેઠા બાદ સુરત જતા રસ્તામાં પારડીના ખડકી હાઇવે પર આવેલી રામદેવ ઢાબા હોટલમાં ભોજન લીધા બાદ બંને શખ્સોએ હાર્દિક પટેલને ચા કે સોફ્ટડ્રિન્કમાં નશાયુક્ત 'Cetrizine' ટેબ્લેટ ભેળવી કેફી પીણું પીવડાવી દીધું હતું, જેનાથી તેઓ બેહોશ થઈ ગયા હતા.

બેહોશ થતાં જ આરોપીઓએ તેમનું કારમાં અપહરણ કરી મહારાષ્ટ્રના ગોરેગાંવ પહોંચી ગયા હતા. અહીં આરોપીઓ મોબાઈલ, લેપટોપ, જુદી જુદી બેંકના ક્રેડિટકાર્ડ, આધારકાર્ડ સહિતનો કિંમતી સામાન લૂંટી ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરી ફ્લિપકાર્ડ, સ્વીગી ઇન્સ્ટામાર્ટ અને એમેઝોનમાંથી ઓનલાઈન રૂ. 2.59 લાખની ખરીદી કરી હોવાનું બહાર આવ્યું હતું.

LCB ની સઘન તપાસ: આરોપી જયપુરથી ઝડપાયો

પારડી પોલીસે ગુનો નોંધી કેસની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. એલસીબીની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અંતે, પોલીસની ટીમે રાજસ્થાનના જયપુર પહોંચી સ્થાનિક પોલીસની મદદથી દિલ્હીની આંતરરાજ્ય ઝેરખુરાની ગેંગના સાગરિત અંકુશ મદનલાલ પાલ (ઉ.વ. 37, રહે. હરિનગર, ન્યુ દિલ્હી) ને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ. 3,121 અને 3 મોબાઈલ જપ્ત કર્યા છે.

BCA અભ્યાસ અને વેશપલટો કરતો કુખ્યાત આરોપી

ઝડપાયેલા આરોપી અંકુશ પાલે દિલ્હીની કોલેજમાંથી BCA સુધીનો અભ્યાસ કરેલો છે અને અંગ્રેજી ભાષા પર તેનું સારું પ્રભુત્વ છે. દેખાવે સ્માર્ટ અને વેપારી જેવો પહેરવેશ ધારણ કરી તે વાતચીતની ચાતુરીથી લોકોને વિશ્વાસમાં લેતો હતો. પોલીસથી બચવા તે સતત વેશપલટો કરતો હતો. મુસાફરી દરમિયાન હંમેશા માસ્ક પહેરતો અને ચોરી કર્યા બાદ હેર સ્ટાઇલ, દાઢીની સ્ટાઇલ, પહેરવેશ બદલતો હતો એટલું જ નહી પોલીસથી બચવા શીખ હોવાનું બતાવવા સરદારજી જેવી પાઘડી, મુસ્લિમ પહેરવેશ કે ક્રિશ્ચિયન પહેરવેશ ધારણ કરતો હતો.

ચોરીના ATM-ક્રેડિટ કાર્ડથી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી એપ્લિકેશન પરથી વસ્તુઓ ખરીદી, પોલીસને સરનામું ન મળે તે માટે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ કે જાહેર બગીચા જેવી જગ્યાએ ડિલિવરી લેતો હતો. ચોરીના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવા માટે ડુપ્લીકેટ બિલ બનાવી OLX જેવી એપ્લિકેશન પર વેચાણ કરતો હતો.

દેશભરમાં 38 ગુનાઓની કબૂલાત

પકડાયેલા રીઢા આરોપી અંકુશ પાલે પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત (પારડી, વડોદરા), મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ અને હિમાચલપ્રદેશ સહિત દેશભરમાં કુલ 38 ગંભીર પ્રકારના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. આરોપી સામે અગાઉ દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં 13 ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન અન્ય ગુનાઓનો ભેદ પણ ઉકેલાશે.