પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી 'ભોપલી ગેંગ' સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal News: પંચમહાલ જિલ્લામાં ગૌ-વંશની તસ્કરી, ગેરકાયદે હેરાફેરી અને કતલ જેવી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી 'ભોપલી ગેંગ' સામે પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GUJCTOC) કાયદા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરતાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મુખ્ય આરોપી સહિત અન્ય કેટલાક સાગરીતોને પકડવા ટીમો સક્રિય કરવામાં આવી છે.
ગેંગ સામે 19 ગંભીર ગુનાઓ નોંધાયેલા
LCB પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, લાંબા સમયથી સક્રિય આ ગેંગના સભ્યો સામે ગૌ-વંશની ચોરી, ગેરકાયદે હેરાફેરી, કતલ તેમજ પોલીસ પર હુમલા જેવા ગંભીર પ્રકારના કુલ 19 ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે.
બે આરોપીઓની ધરપકડ, અન્યની શોધખોળ
ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાને રાખી ગોધરા ‘B’ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. પોલીસે એહમદ હુસેન સિદ્દીક વસ્કા અને સલમાન યામીન હસનની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ઇમ્તીયાઝ અબ્દુલહમીદ સુરતી ઉર્ફે ભોપલી, અલમાસ કાસીમ મીઠા ઉર્ફે અલ્લુ બોય, રૂહુલઅમીન રજ્જાક દુર્દેશ ઉર્ફે ટીપ અને સુફીયાન ઉર્ફે આતડીયો મહેબુબખાન પઠાણ સહિતના આરોપીઓ સામે કાર્યવાહી ચાલુ છે. જે પૈકીના કેટલાક જેલમાં બંધ આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.
કાયદો-વ્યવસ્થા જાળવવા કડક કાર્યવાહી થશે
પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ સામે અગાઉથી 3 થી 6 જેટલા વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે જણાવ્યું કે કાયદો-વ્યવસ્થાની જાળવણી અને ગૌ-વંશની સુરક્ષા માટે આવી કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.








