Get The App

પંચમહાલમાં ખનીજ માફિયાઓનું 'ડિજિટલ નેટવર્ક', અધિકારીઓની ગાડીઓની રેકી કરતાં ઑડિયો વાઇરલ

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
પંચમહાલમાં ખનીજ માફિયાઓનું 'ડિજિટલ નેટવર્ક', અધિકારીઓની ગાડીઓની રેકી કરતાં ઑડિયો વાઇરલ 1 - image


Panchmahal Illegal Mining: પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ હવે ફિલ્મી અદામાં સરકારી અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાનો ચોંકાવનારો ફટસ્ફોટ થયો છે. ગેરકાયદે ખનન કરતાં માફિયાઓએ અધિકારીઓની હિલચાલ પર નજર રાખવા માટે વોટ્સએપ ગ્રૂપ અને ઑડિયો મેસેજનું એક મોટું નેટવર્ક ઊભું કર્યું છે. આ મામલે ગોધરા પ્રાંત અધિકારીએ લાલ આંખ કરી સાયબર ક્રાઇમ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.

કેવી રીતે ચાલે છે રેકી?

મળતી માહિતી અનુસાર, વાઇરલ થયેલી ઑડિયો ક્લિપ અને વોટ્સએપ ગ્રૂપના પુરાવાઓ મુજબ, માફિયાઓ અત્યંત વ્યવસ્થિત રીતે જાસૂસી કરી રહ્યા છે. અધિકારીની ગાડી ઑફિસમાંથી બહાર નીકળતાંની સાથે જ ગ્રૂપમાં મેસેજ ફ્લોટ કરી દેવામાં આવે છે. અધિકારી કયા રૂટ પર છે, કયા વિસ્તારમાં પહોંચ્યા અને કઈ હોટલ કે સ્થળ પર રોકાયા છે, તેની પળેપળની માહિતી ઑડિયો મેસેજ દ્વારા શેર થાય છે. ખાસ કરીને ગોધરા અને કલોલ પંથકમાં જ્યારે અધિકારીઓ ઓચિંતા ચેકિંગ માટે નીકળે છે, ત્યારે આ રેકી નેટવર્ક માફિયાઓને અગાઉથી જ સતર્ક કરી દે છે, જેથી કાર્યવાહી પહેલા જ સ્થળ ખાલી થઈ જાય છે.

આ પણ વાંચો: મહેસાણાના સતલાસણામાં 20 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થતાં તબીયત લથડી, રાત્રે હોસ્પિટલ ખસેડાયા

સરકારી કામગીરી પર ગંભીર અસર

માફિયાઓની આ જાસૂસીને કારણે વહીવટી તંત્રની ગુપ્તતા જોખમાઈ છે. અધિકારીઓ જ્યારે દરોડા પાડવા પહોંચે છે, ત્યારે મોટાભાગે સ્થળ પર કશું જ મળતું નથી. આ નેટવર્કને કારણે ખનીજ ચોરી રોકવામાં સરકારને ભારે મુશ્કેલી પડી રહી છે અને સરકારી તિજોરીને નુકસાન પહોંચી રહ્યું છે.

પ્રાંત અધિકારીની કડક ચેતવણી

આ સમગ્ર મામલે ગોધરાના પ્રાંત અધિકારી એન. બી. મોદીએ જણાવ્યું છે કે, 'અધિકારીઓની રેકી કરવી એ કાયદો અને વ્યવસ્થા માટે સીધો પડકાર છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. વાયરલ ઑડિયો અને ગ્રૂપના સભ્યોની તપાસ કરી તેમના વિરુદ્ધ સાયબર ક્રાઇમ હેઠળ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવશે.'