વડોદરાઃ ભારત સામે પ્રોક્સીવેર છેડીને આતંકવાદને પ્રોત્સાહન આપીને પાકિસ્તાને ભારત કરતા વધારે નુકસાન પોતાનું કર્યું છે.૧૯૮૦માં જ્યારે પાકિસ્તાને પ્રોક્સી વોરની શરુઆત કરી ત્યારે ભારત અને પાકિસ્તાનની જીડીપી લગભગ સરખી હતી.આજે ભારત વિશ્વની ચોથા નંબરની ઈકોનોમી છે અને પાકિસ્તાન આસપાસ પણ નથી તેમ પૂર્વ સેના અધ્યક્ષ મનોજ નરવણેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું.
મનોજ નરવણેએ કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર ૧૦૦ ટકા સફળ રહ્યું છે.આ ઓપરેશન બાદ ભારતે પોતાની રણનીતિમાં બદલાવ કરીને આતંકવાદીઓ જ નહીં પણ આતંકવાદીઓને મદદ કરનારાઓ એટલે કે પાકિસ્તાન પર પણ સીધો પ્રહાર કરવાનું શરુ કર્યું છે.પાકિસ્તાને પોતે સમજવું પડશે કે ભારતમાં આતંકવાદ ફેલાવવાથી તેને કોઈ ફાયદો થવાનો નથી.બાકી ભારતે તો હંમેશા પાકિસ્તાન સામે દોસ્તીનો હાથ લંબાવ્યો છે.પારુલ લિટરેચર ફેસ્ટિવલના બીજા દિવસે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરનાર મનોજ નરવણેએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, ૨૦૨૦માં ગલવાન ખીણમાં ભારત સાથે થયેલા ટકરાવ બાદ ચીનને પણ હવે સમજ પડી ગઈ છે કે, ભારત સાથે સરહદ વિવાહનો ઉકેલ લશ્કરી કાર્યવાહીથી નહીં પણ વાતચીતથી જ શક્ય છે.આવું હું નહીં પણ વિદેશ નીતિના જાણકારો અને ડિપ્લોમેટસ કહી રહ્યા છે.
અગ્નિવીર સ્કીમ સારી છે કે ખરાબ તેની સમયની સાથે ખબર પડશે
સેનામાં ભરતી માટેની અગ્નિવીર સ્કીમ અંગે તેમણે કહ્યું હતું કે, કોઈ પણ નવી નીતિ સારી છે કે નહીં તે સમયની સાથે ખબર પડતી હોય છે.જ્યારે નવી નીતિનો અમલ થાય તો તે ૧૦૦ ટકા સારી નથી જ હોતી.તેમાં સમય જતા સુધારા વધારા થતા હોય છે.આ માટે સરકાર સેનાની ત્રણે પાંખો પાસે ફીડ બેક લઈ રહી છે.ઓપરેશન સિંદૂરમાં પણ અગ્નિવીર સૈનિકોએ પ્રશંસનીય રીતે ફરજ બજાવી છે.
ઉલ્લેખનીય છે કે, મનોજ નરવણેએ નિવૃત્ત થયા બાદ લખેલા પુસ્તકને સંરક્ષણ મંત્રાલયે એક વર્ષ પછી પણ લીલી ઝંડી આપી નથી.આ અંગે તેમણે કહ્યું હતું કે, મારુ કામ પુસ્તક લખવાનું હતું.હવે મામલો પ્રકાશક અને સંરક્ષણ મંત્રાલય વચ્ચેનો છે.એ પછી મેં અન્ય એક પુસ્તક લખ્યું છે અને તે પ્રકાશિત પણ થઈ ગયું છે.


