Gujarat

હર્ષદનાં દરિયાકાંઠેથી રૂા. 2.27 કરોડની કિંમતનાં ચરસનાં પેકેટ રેઢા મળી આવ્યા

By GS TEAM
7 May 20261 min read
હર્ષદનાં દરિયાકાંઠેથી રૂા. 2.27  કરોડની કિંમતનાં ચરસનાં પેકેટ રેઢા મળી આવ્યા

ચરસના પ્લાસ્ટિકનાં પેકેટ પર ઉર્દૂ-અંગ્રેજીમાં લખાણ : કલ્યાણપુર પોલીસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન 4548 કિલોગ્રામ ચરસના જથ્થા સાથે 2 2 પેકેટો મળી આવ્યાઃ અજાણ્યા શખ્સ સામે ગુનો 

જામખંભાળિયા, : દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસનાં ફૂટ પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં લાખો રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. પકડાઈ જવાના ડરે ડ્રગ પેડલરોએ આ જથ્થો રેઢો મુકી દીધો હોવાના અનુમાન સાથે પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. 

કલ્યાણપુર પોલીસની ટીમ દ્વારા દરિયાકાંઠે હાથ ધરાયેલા ફૂટ પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુરથી આશરે 25 કિ.મી. દૂર હર્ષદ ગામની સીમમાં સિકોતેર માતાજીનાં મંદિર પાસેથી પોલીસને પ્લાસ્ટિકનાં બે શંકાસ્પદ પેકેટ બિનવારસી મળી આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા વધુ તપાસ બાદ આ જ પ્રકારનાં વધુ બે પેકેટ મળી આવ્યા હતાં. ઉર્દુ તેમજ અંગ્રેજી ભાષામાં કેટલાક લખાણ સાથેના આ પેકેટ ખોલતા તેમા નશાકારક પદાર્થ ચરસ હોવાનું સ્પષટ થયું હતું. 4548 કિલોગ્રામ આ ચરસની બજાર કિંમત રૂા.2,27,40,000 હોવાનું જાહેર થયું હતું. 

બિનવારસુ મળેલા આ ચરસનાં જથ્થાને કબજે લઈ સ્થાનિક એ.એસ.આઈ.ની ફરિયાદ મુજબ માદક પદાર્થની હેરાફેરી દરમિયાન પકડાઈ જવાનાં ડરથી ડ્રગ પેડલરોએ આ જથ્થો દરિયામાં અથવા દરિયાકાંઠે બિનવારસુ છોડી દીધો હોઈ શકે છે. કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધી વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.