Gujarat

શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં તેજીનો આશાવાદ : ઓક્ટોબર માસમાં અલંગમાં 16 શિપ બીચ થયાં

By GS TEAM
11 Nov 20252 mins read
શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં તેજીનો આશાવાદ : ઓક્ટોબર માસમાં અલંગમાં 16  શિપ બીચ થયાં

- છેલ્લા 5 મહિનામાં શિપની સંખ્યામાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી

- મે-2025 માં માત્ર 4 શિપ આવ્યા બાદ 5 મહિનામાં શિપની સંખ્યા ચાર ગણી વધી, છેલ્લા 10 માસમાં કુલ 106 શિપ આવ્યા

ભાવનગર : અલંગના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી રહી છે. મંદીના માહોલની સ્થિતિ વચ્ચે ચાલુ વર્ષે મે મહિનામાં શિપની સંખ્યા નિરાશાજનક હતી. પરંતુ તે બાદથી શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી તે પછીના પાંચ માસમાં શિપની સંખ્યા ચાર ગણી વધીને આ સંખ્યા ઓક્ટોબરમાં ૧૬ થઈ છે. છેલ્લા ૧૦ મહિનામાં અલંગમાં આવેલા શિપની સંખ્યા ૧૦૬ થઈ છે.

વૈશ્વિક શિપ રિસાક્લિંગ ઉદ્યોગમાં સુસ્તી અને સ્થિરતાના માહૌલ વચ્ચે અલંગ શિપ રિસાક્લિંગ ઉદ્યોગમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી રહી છે. જે ભાવનગરની આર્થિક કરોડરજ્જૂ એવા શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ માટે સારી બાબત છે પરંતુ તેમ છતાં પાછલા વર્ષોની સરખામણીએ આ આંકડો ઘણો ઓછો છે. ચાલુ વર્ષે મે મહિના અલંગમાં સૌથી ઓછા માત્ર ૪ શિપ આવ્યા હતા. પરંતુ તે બાદથી અલંગ શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી અને તે પછીના પાંચ માસમાં શિપની સંખ્યા ચાર ગણી વધી અને ઓક્ટોબર માસમાં અલંગમાં ૧૬ શિપ બીચ થયાં અને આ સાથે વર્ષ-૨૦૨૫માં અલંગમાં આવેલા શિપની સંખ્યા ૧૦૦ને પાર થઈ છે. ગત વર્ષ-૨૦૨૪માં અલંગમાં ૧૧૦ શિપ આવ્યા હતા. જેની સરખામણીએ ચાલુ વર્ષ-૨૦૨૫ના છેલ્લા ૧૦ માસમાં કુલ ૧૦૬ શિપ આવ્યા છે. જોકે ટનેજના દ્રષ્ટિકોણથી ઓક્ટોબર માસ નિરાશાજનક છે કારણ કે, ગત મહિનામાં ૧૦ હજાર એલડીટીથી વધારે વજનના માત્ર પાંચ જહાજ છે બાકીના નાના શિપ છે. હાલની સ્થિતિ જોતા શિપ બ્રેકરો સંતોષજનક વળતર નથી મળતું ત્યાં સુધી નવું શિપ ખરીદવાનું ટાળે છે સાથે જ સ્ટીલનું માર્કેટના ઉતારચડાવની સીધી અસર આ ઉદ્યોગમાં જોવા મળી રહી છે.

માસ

શિપ

જાન્યુઆરી

૧૦

ફેબુ્રઆરી

૧૦

માર્ચ

૧૧

એપ્રીલ

૦૯

મે

૦૪

જુન

૦૮

જુલાઈ

૧૨

ઓગસ્ટ

૧૧

સપ્ટેમ્બર

૧૫

ઓક્ટોબર

૧૬

કુલ

૧૦૬