Operation Mule Hunt 1.0: ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન 'ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0' અંતર્ગત રાજ્યમાં ₹2,289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન સાયબર ગુનાઓમાં નાણાકીય હેરફેર માટે વપરાતા 913 જેટલા શંકાસ્પદ 'મ્યૂલ એકાઉન્ટ્સ' સામે કાયદેસરની કાર્યવાહી કરીને કુલ 638 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે.
શું છે મ્યૂલ એકાઉન્ટ (Mule Account)?
મ્યૂલ એકાઉન્ટ એવા બેંક ખાતાઓ છે, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં મેળવવા, અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવા કે મની લોન્ડરિંગ કરવા માટે કરે છે. આવા ખાતા ધરાવતી વ્યક્તિને 'મની મ્યૂલ' કહેવામાં આવે છે. ઘણી વખત સામાન્ય નાગરિકોની અજ્ઞાનતાનો લાભ લઈને જાણીજોઈને અથવા અજાણતા આ ખાતાઓનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હોય છે.
કેવી રીતે પાર પાડવામાં આવ્યું ઓપરેશન?
વર્ષ 2025 દરમિયાન ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં ગુજરાતના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર પોલીસ સ્ટેશનોને સાંકળવામાં આવ્યા હતા. આ માટે ઇન્ડિયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઈનના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તમામ બેંકો સાથે રિયલ-ટાઇમ ડેટા શેરિંગનું સંકલન કરીને જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી.
ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 ના મુખ્ય આંકડા:
કુલ નોંધાયેલી FIR: 565
કુલ ધરપકડ: 638
કાર્યવાહી હેઠળ આવેલા મ્યૂલ એકાઉન્ટ: 913
ઓળખાયેલા કુલ ગુના: 4,052 (જેમાંથી 491 ગુજરાતના)
કુલ ફ્રોડની રકમ: ₹2,289 કરોડ
ઓપરેશન બાદ બેંકિંગ વ્યવહારોમાં આવેલો બદલાવ:
પોલીસની કડક કાર્યવાહીના કારણે મ્યૂલ એકાઉન્ટ્સ દ્વારા થતા ગેરકાયદેસર વ્યવહારોમાં મોટો ઘટાડો નોંધાયો છે:
ચેક દ્વારા થતા નાણાકીય ઉપાડમાં 75 ટકાનો ઘટાડો થયો છે.
માસિક ચેક ઉપાડ ₹126 કરોડથી ઘટીને ₹25 કરોડ થયો છે, જે 80 ટકાનો ઘટાડો દર્શાવે છે.
પ્રથમ લેયરના મ્યૂલ એકાઉન્ટ્સ (જ્યાં ફ્રોડના નાણાં સૌથી પહેલા જમા થાય છે) ની સંખ્યામાં ઓગસ્ટથી ડિસેમ્બર 2025 વચ્ચે 30 ટકાનો ઘટાડો થયો છે.
સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2025 દરમિયાન એટીએમ (ATM) દ્વારા થતા ઉપાડમાં 66 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
RBI હવે AI ટેક્નોલોજીની મદદ લેશે
ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ પર પ્રોએક્ટિવ રોક લગાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના માર્ગદર્શન હેઠળ 'ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન' (IDPIC) દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે.
આ પ્રણાલી હેઠળ દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શનને તેના જોખમના આધારે ત્રણ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવશે:
લો રિસ્ક (Low Risk)
મીડિયમ રિસ્ક (Medium Risk)
હાઈ રિસ્ક (High Risk)
આ સ્કોરના આધારે બેંકો શંકાસ્પદ ખાતાઓ સામે તાત્કાલિક પગલાં લઈ શકશે. આ ઉપરાંત, વિવિધ બેંકો વચ્ચે શંકાસ્પદ એકાઉન્ટ્સની માહિતી શેર કરવા માટે mulehunter.ai નામની એક વિશેષ સેન્ટ્રલ રજીસ્ટ્રી પણ તૈયાર કરવામાં આવી છે, જેના માટે IDPIC નોડલ એજન્સી તરીકે કામ કરશે.


