Gujarat

સાયન્સ ફેકલ્ટીમાં બે દિવસનુ ઓપન હાઉસ, પક્ષીઓના પીંછાની અનોખી લાઈબ્રેરી રજૂ કરાઈ

By GS TEAM
28 Feb 20261 min read
સાયન્સ ફેકલ્ટીમાં બે દિવસનુ ઓપન હાઉસ, પક્ષીઓના પીંછાની અનોખી લાઈબ્રેરી રજૂ કરાઈ

વડોદરાઃ સ્કૂલના વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચિ વધે તે માટે એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૮ ફેબુ્રઆરી અને એક માર્ચ એમ બે દિવસ માટે સવારે ૧૦ થી સાંજે પાંચ સુધી ઓપન હાઉસનું આયોજન કર્યું છે.આજે પહેલા દિવસે જ સંખ્યાબંધ સ્કૂલોના વિદ્યાર્થીઓ ઓપન હાઉસ જોવા માટે ઉમટયા હતા.આવતીકાલે, રવિવારનો દિવસ હોવાથી મુલાકાતીઓની સંખ્યા વધશે.

ફેકલ્ટીના વિવિધ વિભાગોમાં વિજ્ઞાાનના વિવિધ પ્રોજેકટને આ ઓપન હાઉસમાં દર્શાવાયા છે.સાથે સાથે દરેક વિભાગમાં શેનું શિક્ષણ અપાય છે તેની જાણકારી આપવામાં આવે છે.ઝૂઓલોજી વિભાગમાં ઓપન હાઉસના ભાગરુપે પક્ષીઓના પીંછાઓની અનોખી લાઈબ્રેરીને રજૂ કરવામાં આવી હતી.આ લાઈબ્રેરીમાં વિવિધ પ્રજાતિના ૨૫ કરતા વધારે પક્ષીઓના પીંછાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.પીંછા અને તેમનો રંગ પક્ષીઓની એક આગવી ઓળખ છે.મુલાકાતીઓને પક્ષીઓના પીંછા અલગ અલગ રંગના કેમ હોય છે તેના કારણોની સમજ આપવામાં આવી હતી.જેમ કે પીંછાનો રંગ પક્ષીઓની જેનેટિક બ્લુપ્રિન્ટની સાથે તેના ખોરાક પર પણ આધાર રાખતો હોય છે.

ઓપન હાઉસમાં વિએટનામમાં આવેલી વિશ્વની સૌથી મોટી ગુફાનો માહોલ ઉભો કરીને તેની અંદરની ઈકોસિસ્ટમ કેવી રીતે કામ કરે છે તેની સમજ પણ અપાઈ છે.બોટની વિભાગમાં મસાલાઓમાં થતી ભેળસેળ કેવી રીતે પારખી શકાય તેની જાણકારી  વિદ્યાર્થીઓએ આપી હતી.