Gujarat

300થી વધુ શ્રમિકો ધરાવતા એકમોએ જ ક્લોઝર કરતા પહેલાં મંજૂરી લેવી પડશે

By GS Team
16 Jul 20203 mins read
This article was originally published on 16 Jul 2020
300થી વધુ શ્રમિકો ધરાવતા એકમોએ જ ક્લોઝર કરતા પહેલાં મંજૂરી લેવી પડશે

(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 16 જુલાઇ, 2020, ગુરૂવાર

ઔદ્યોગિક શાંતિમાં ખલેલ ન પહોંચે તે માટે  ગુજરાતમાં 300થી વધુ શ્રમિકો ધરાવતી કંપનીઓએ જ માત્ર હવે શ્રમિકોને કંપનીમાંથી છૂટા કરતાં પૂર્વે કે કંપની બંધ કરી દેતા પૂર્વે શ્રમ વિભાગ પાસે પૂર્વ મંજૂરી લેવાની રાહત આપતો અધિનિયમ-ઓર્ડિનન્સ બહાર પાડીને ઉદ્યોગોને મોટી રાહત આપી દીધી છે.

આજે બહાર પાડવામાં આવેલા આ અધિનિયમનો અમલ તત્કાલ શરૂ કરી દેવામાં આવ્યો છે. પરિણામે 300થી  ઓછા  શ્રમિકો ધરાવતી કંપનીઓ આજથી તેમની કંપનીમાં કામ કરતાં શ્રમિકોને બેરોકટોક છૂટા કરી શકશે. તેમ જ કંપની પણ સરકારની પૂર્વ મંજૂરી વિના બંધ કરી શકશે. ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગોને કોરોનાના કાળમાં હાડમારીનો સામનો ન કરવો પડે તે માટે નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. 

લેબર કમિશનર વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે કલમ 25-એનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં જે કામદારોને છૂટા કરવામાં આવે તેમને તેમની નોકરી જેટલા વર્ષની થઈ હોય તેના 15 દિવસ પ્રમાણેનું વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત છૂટા કરાયેલા કામદારોને બેઝિક અને ડિયરનેશ એલાવન્સ મળીને થતાં પગાર જેટલો ત્રણ મહિનાનો પગાર અપાવવાની જોગવાઈ નવા વટહુકમ મારફતે કરવામાં આવી છે.

સરકારે ત્રણ મહિનાને બદલે છ મહિનાનો પગાર આપવાની જોગવાઈ કરવી જોઈતી હતી. કારણ કે છ મહિનાનો ગાળો કામદારને ફરીથી નવી નોકરી મેળવી લેવા માટે આપવો જરૂરી છે. વિદેશમાં પણ આ જ પ્રકારની જોગવાઈ અમલમાં છે. ગુજરાત સરકારે પણ આ લાઈન પર વિચારવું જોઈએ. 

લેબર કમિશનરનુ કહેવું છે કે ગુજરાતમા ંસક્રિય 40,000 જેટલી ફેક્ટરીના 30 લાખ કામદારોમાંથી 60થી 70 ટકા કામદારો પણ નવા વટહુકમની અસર પડશે. નાના અને મધ્યમ કદના એકમો કોરોનાના આ કાળમાં તેમના એકમો બંધ પણ કરી શકતા નથી અને ચાલુ પણ રાખી શકતા નથી તેવી સ્થિતિ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના પાવરલૂમ સેક્ટરની સ્થિતિ કોરોનાના કહેરને પરિણામે બહુ જ કફોડી થઈ હોવાથી આ જોગવાઈ કરવામાં આવી છે. 

ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટની કલમ 25 (ક)માં કરવામાં આવેલી જૂની જોગવાઈ મુજબ 100થી વધુ કર્મચારી ધરાવતી કંપનીઓને લૅ ઑફ, છટણી કે પછી કામદારોને છૂટા કરવા માટે સરકાર પાસે પૂર્વમંજૂરી લેવી પડતી હતી. 

આ સંખ્યા નવા વટહુકમથી વધારીને 300ની કરી દેવામાં આવી છે. પરિણામે વટહુકમની મદદથી હવે કંપનીઓને ઇચ્છા થાય ત્યારે લૅ-ઑફ આપી શકશે. કામદારોની છટણી કરી શકશે અને કંપનીને તાળાં લગાવીને નીકળી જઈ શકશે. 

નવા વટહુકમને પરિણામે ગુજરાતમાં 300થી ઓછા કામદારો ધરાવતી અંદાજે 40,000થી વધુ ફેક્ટરીઓને બંધ કરતાં પહેલા કોઈ જ પરવાનગી લેવાની ફરજ પડશે નહિ. તેઓ ઇન્સન્ટ છટણી કરી શકશે.

પહેલા તેમણે છટણી કરતાં પૂર્વે કે કામદારોને છૂટા કરતાં પૂર્વે સરકારના સંબંધિત વિભાગની પરવાગની લેવા માટે ત્રણ ત્રણ કે ચાર ચાર મહિના રાહ જોવી પડતી હતી. તેથી ચાર મહિના ઉપરાંત છૂટા કર્યા તારીખથી બીજા ત્રણ મહિનાના વળતર ચૂકવા પડતા હતા. હવે આ રાહ જોવી પડશે નહિ. તેઓ તત્કાળ નિર્ણય લઈ તેનો અમલ કરી શકશે.