Gujarat

મીરાપુરી ગામે ગોમા નદીમાં 8 પૈકી એક યુવકનું ડૂબી જતાં મોત

By GS TEAM
3 Sep 20251 min read
મીરાપુરી ગામે ગોમા નદીમાં 8 પૈકી એક યુવકનું ડૂબી જતાં મોત

- ગણેશ પ્રતિમાનું વિસર્જન કરતા સમયે

- વેજલપુર પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો

કાલોલ  : કાલોલ તાલુકાના મીરાપુરી ગામે સોમવારે સાંજે ગણેશ પ્રતિમાનું વિસર્જન કરતા સમયે ગોમા નદીના પાણીમાં ૮ યુવકો ડૂબી રહ્યા હતા.જેથી લોકોને મદદ કરી ૭ યુવકોને બચાવી લીધા હતા પરંતુ એક યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યુ હતુ.

મીરાપુરી ગામે ગણેશોત્સવ દરમિયાન પાંચ દિવસે ગણેશ પ્રતિમાના વિસર્જનની પરંપરા મુજબ સોમવારે ગણેશ વિસર્જન યોજાયું હતું. ગણેશજીને  ધામધુમથી વિદાય આપવા માટે ગ્રામજનોએ ડીજે સાથે શોભાયાત્રા યોજીને અંતે સાંજે ૭ વાગ્યે  ગોમા નદીના પટમાં પહોંચ્યા હતા. એ સમયે મૂર્તિ  વિસર્જન કરવા માટે નદી પટના ઊંડા ધરા જેવા ખાડાના પાણીમાં ૧૫થી ૨૦  લોકોએ  ઝંપલાવ્યું હતું .મૂર્તિ  વિસર્જન કરતા સમયે ખાડાના ઉંડા પાણીના અંદાજમાં થાપ ખાઈ જવાથી ૮ લોકો ડૂબતા હોવાની ઘટના સર્જાઈ હતી.તે સમયે ઘટના સ્થળે ઉપસ્થિત કેટલાક તરવૈયાઓએ સમયસર પાણીમાં ઝંપલાવીને તેમજ કેટલાક લોકોએ કાંઠેથી લાકડીઓની મદદથી મોટાભાગના યુવકોને સમયસર બહાર કાઢી બચાવી લીધા હતા પરંતુ   કાળુભાઇ વીરસિંગ પટેલીયા (ઉ.વ ૩૫)  પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમને પાણીમાંથી શોધીને બહાર કાઢીને બચાવ કામગીરી કરી હતી પરંતુ ડૂબી જવાથી  મોત નિપજ્યું હતું.સમગ્ર ઘટના અંગે ગ્રામજનોએ વેજલપુર પોલીસને જાણ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી.