Get The App

હાલીસા-ધણપ રોડ પર રિક્ષા ટ્રેક્ટર પાછળ ઘુસી જવાથી એકનું મોત

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
હાલીસા-ધણપ રોડ પર રિક્ષા ટ્રેક્ટર પાછળ ઘુસી જવાથી એકનું મોત 1 - image

માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે દહેગામના

દશેલાથી શ્રમિકો રિક્ષામાં પરત જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા-ધણપ રોડ પર શનિવારે સાંજે એક પેસેન્જર રિક્ષા અને ઉભેલા ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં શ્રમિક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. રિક્ષા ચાલકે પૂરઝડપે હંકારી રોડની સાઈડમાં ઉભેલી ટ્રોલીમાં રિક્ષા ઘુસાડી દેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે હાલીસા ધણપ રોડ ઉપર વધુ એક અકસ્માતમાં યુવાનનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે મળતી વિગતો પ્રમાણે હાલીસા ગામના રહેવાસી રમેશભાઈ દેવીપુજકનો મોટો પુત્ર અનિલ અન્ય શ્રમિકો સાથે દશેલા ગામે છૂટક મજૂરી કામ અર્થે ગયો હતો. શનિવારે સાંજે કામ પતાવીને આ તમામ શ્રમિકો પેસેન્જર રિક્ષામાં બેસીને પરત ઘરે આવી રહ્યા હતા. સાંજે આશરે સાડા સાત વાગ્યાના સુમારે હાલીસા-ધણપ રોડ પર કિરણભાઈ સોમાભાઈ પટેલના બોરકુવા પાસે રિક્ષા પહોંચી ત્યારે ચાલકે પોતાની રિક્ષા પૂરઝડપે હંકારી હતી. રિક્ષા રોડની સાઈડમાં ઉભેલી એક ટ્રેક્ટર-ટ્રોલીમાં પાછળના ભાગે ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષાના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં અનિલભાઈ અને પ્રકાશભાઈ નામના યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે અનિલભાઈને મૃત જાહેર કર્યો હતો.