Gujarat

નડિયાદ- ડાકોર રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે ભટકાતા એકનું મોત

By GS TEAM
16 Oct 20251 min read
નડિયાદ- ડાકોર રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે ભટકાતા એકનું મોત

- અન્ય એક ઈજાગ્રસ્ત નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ

- સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત  બાઈક માતરના હૈજરાબાદનું હોવાનું ખૂલ્યું

નડિયાદ : ખેડા જિલ્લામાં નડિયાદ-ડાકોર રોડ ઉપર બાઈક ચાલકે કાબૂ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું. અકસ્માતમાં બાઈક સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય એક ગંભીર ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડાઈ હતી. ચકલાસી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તરફથી ડાકોર તરફ જઈ બાઈક ઉપર સવાર બે વ્યક્તિ જઈ રહ્યા હતા. બાઈક પૂરઝડપે જઈ રહી હતી ત્યારે અચાનક બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા 

બાઈક ડિવાઈડર સાથે ધડાકાસાથે ભટકાયું હતું. અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓ પૈકી એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અન્ય એક વ્યક્તિને શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ થતા ૧૦૮ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ ચકલાસી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માતગ્રસ્ત બાઈક અને મૃતકના કબજા અંગેની કાર્યવાહી શરૂ કરી હતી. 

પોલીસે બાઈકના નંબરના આધારે તપાસ કરતા બાઈક માતર તાલુકાના હૈજરાબાદ ગામનું હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં પોલીસે મૃતકની ઓળખ અને બાઈક ચાલક કયાંના છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે દિશામાં પણ વધુ કાર્યવાહી ચાલુ છે.