Gujarat

મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત

By GS TEAM
5 Apr 20261 min read
મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત

વડોદરા,ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર મળસ્કે સાડા ચાર વાગ્યે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા રોડની સાઇડ પર  ઊભેલી ટ્રકમાં તે ઘુસી જતા એકનું મોત થયું છે.

અમદાવાદ વટવા વિંજોલ ગામે આવેલી હરિઓમ ટેમ્પો સર્વિસમાં નોકરી કરતા બે ડ્રાઇવર મનોજ રામનરેશ યાદવ તથા સંજય શ્રીનાથભાઇ યાદવ મુંબઇ વસઇથી ટ્રકમાં પ્લાય ભરીને અમદાવાદ આવવા નીકળ્યા હતા. સંજય ટ્રક ચલાવતો હતો. મળસ્કે સાડા ચાર વાગ્યે તે ભારતમાલા એક્સપ્રેસ  હાઇવે પર અનગઢ ગામ નજીકથી જતો હતો. તે દરમિયાન ઝોકું આવી જતા રોડની સાઇડ પર પાર્ક કરેલી ટ્રકમાં તે પાછળથી ઘુસી ગયો હતો. ડ્રાઇવરની બાજુમાં ખાલી સાઇડનો ભાગ આગળની ટ્રકમાં ઘુસી જતા ટ્રકમાં સૂઇ રહેલા અન્ય ડ્રાઇવર મનોજ રામનરેશ યાદવ, ઉં.વ.૩૨(રહે. એ.કે.ગુપ્તો કોલોની, ગુપ્તાનગર, વસઇ, મુંબઇ, મૂળ રહે. યુ.પી.)ને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. નંદેસરી પોલીસે ટ્રક ચલાવતા ડ્રાઇવર સંજય યાદવ સામે ગુનો દાખલ કર્યો છે.