Gujarat

પાટણ ગંજબજારમાં વેપારીઓએ ત્રીજા દિવસે પણ સજ્જડ બંધ પાળ્યો

By GS Team
8 Oct 20192 mins read
This article was originally published on 8 Oct 2019
પાટણ ગંજબજારમાં વેપારીઓએ ત્રીજા દિવસે પણ સજ્જડ બંધ પાળ્યો

પાટણ,તા. 7 ઓક્ટોબર 2019, સોમવાર

પાટણ નવાગંજ માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા એનસીડીએક્સ અને મોટા ઉદ્યોગપતિઓની મીલીભગતથી એરંડામાં કૃત્રિમ મંદી ઉભી કરવામાં આવી હોવાના વિરોધમાં પાડેલ અચોક્કસ મુદતની હડતાળ આજેપણ યથાવત રહેવા પામી હતી. નવાગંજ માર્કેટયાર્ડના ખેડૂત ભવન ખાતે તમામ વેપારીઓએ એકત્રીત થઈ સરકાર દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય ન લેવાય ત્યાં સુધી આ હડતાળને ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે.

જિલ્લા મથક પાટણ ખાતે આવેલ ખેડૂતોની જીવાદોરી સમાન નવાગંજ માર્કેટમાં એરંડાના ભાવ રૃ.૧૦૮૦થી ૧૧૨૫ સુધી રાબેતા મુજબ પુરવઠા પ્રમાણે વેપાર ધંધા ચાલતા હતા. તો બીજી તરફ ખેડૂતોની આવક અને વેપારીઓ પાસે પણ હાથ ઉપર માલની મોટી ઘટ છે તેવા સંજોગોમાં માંગ અને પુરવઠા આધારિત માલની કિંમત ઉંચી હોવી જોઈએ પરંતુ એનસીડીએક્સ અને મોટા ઉદ્યોગપતિઓની ખોટી નીતિને કારણે રાજકીય વગ ધરાવતા લોકો એનસીડીએક્સ પાસે નવા નિયમો બહાર પાડી બજારમાં મંદિની મોટી સર્કીટો મારતા એરંડાના ભાવ રૃ.૨૫૦થી ૩૫૦ જેટલા ગગડી ગયા હતા. જેથી ખેડૂતો અને નાના વેપારીઓને નીચા ભાવથી માલ વેચવાની ના પાડવામાં આવતી હોવાના કારસાને લઈ પાટણ નવાગંજ માર્કેટયાર્ડ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના અનાજ મંડી બજારના વેપારીએ આ હડતાળને સમર્થન આપ્યું છે. આજે સતત ત્રીજા દિવસે માર્કેટયાર્ડ બંધ રહેતા કરોડો રૃપિયાનું ટર્ન ઓવર ઠપ્પ થઈ જવા પામ્યું છે. પાટણ માર્કેટયાર્ડ ખાતે એકત્રીત થયેલા વેપારીઓએ કૃત્રિમ મંદીનો સખત વિરોધ નોંધાવ્યો છે. જે અંગે એસોસીએશનમાં પ્રમુખે જણાવ્યું હતું કે સરકાર દ્વારા એરંડાના ભાવ અંગે કોઈ તટસ્થ નિર્ણય લેવામાં નહી આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.

તો પાટણના ધારાસભ્યએ વેપારી એસોસીએશનને સાથ સહકાર આપતાં જણાવ્યું હતું કે ખેડૂત અને વેપારીઓના હિતને ધ્યાનમાં રાખી સરકારે પગલા લેવા જોઈએ અને આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ બાબતોનો સત્વરે નિકાલ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. નોંધનીય છે કે નવાગંજ માર્કેટયાર્ડના વેપારી એસોસીએશન દ્વારા આગામી રણનીતિ અંગે મિટીંગ યોજવાનુ નક્કી કરવામાં આવ્યું છે.