Gujarat

એક તરફ લાખો યુવાનો બેકાર બીજી તરફ બીજે નોકરી હોવા છતાં AMC માં નોકરી મેળવી રાજીનામાનો ખેલ

By GS TEAM
30 Mar 20262 mins read
એક તરફ લાખો યુવાનો બેકાર બીજી તરફ  બીજે નોકરી હોવા છતાં AMC માં નોકરી મેળવી રાજીનામાનો ખેલ

અમદાવાદ,સોમવાર,30 માર્ચ,2026

એક તરફ લાખો યુવાનો બેકાર છે.બીજી તરફ બીજે સરકારી કે અર્ધ સરકારી સંસ્થાનમાં નોકરી હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવી માત્ર ત્રણ મહિનામા ૨૬ જુનીયર કલાર્કે રાજીનામા ધરી દેતા કોર્પોરેશન તંત્રને આ રાજીનામા મંજુર કરવા પડયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસ તમામ ઉમેદવારોના ડોકયુમેન્ટનુ વેરીફિકેશન કરવામા આવતુ હોય છે.ડોકયુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રીયામાં પહેલેથી અન્ય સ્થળે નોકરી કરનારા ઉમેદવારોને અલગ કેટેગરીમા મુકાય તો જેમને ખરેખર નોકરીની જરુર છે તેવા ઉમેદવારોને તક મળી શકે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૬ ડિસેમ્બર-૨૦૨૫ના રોજ ૭૩ જેટલા ઉમેદવારોની જુનીયર કલાર્ક તરીકે જુદા જુદા વિભાગોમાં નિમણૂંક કરવામા આવી હતી.નિમણૂંકના માત્ર ત્રણ મહિનાની અંદર એટલે કે ૨૫ માર્ચ-૨૦૨૬ના રોજ એકસાથે ૨૬ જુનીયર કલાર્કના રાજીનામા મ્યુનિસિપલ કમિશનરની સહીથી સેન્ટ્રલ ઓફિસ દ્વારા મંજુર કરવામા આવ્યા છે. ખેલ કેવો ખેલાય છે કે, પહેલા સત્તાધારી પક્ષ અમે આટલા લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી આપી એવી જાહેરાત કરી ઉમેદવારોને નિમણૂંકપત્ર આપતા ફોટા પડાવીને સોશિયલ મિડીયામા વાઈરલ કરી વાહવાહ મેળવે છે. ગણતરીના મહિનામા જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનીયર કલાર્ક તરીકે નોકરી મેળવનારા ઉમેદવારો સેન્ટ્રલ ઓફિસને કહે છે, સોરી અમે પહેલેથી બીજી જગ્યાએ નોકરી કરતા હોવાથી અમારી કરવામા આવેલી નિમણૂંક રદ કરશો.અમે હાજર થઈ શકીશુ નહીં.સમય અને નાણાંની બરબાદી પછી પણ આ ૨૬ જગ્યાના ઉમેદવારોના ડોકયુમેન્ટ યોગ્ય રીતે તપાસ કરવામા આવ્યા હોત તો બીજા લાયક ઉમેદવારોને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મળી શકી હોત.

નોકરીમાંથી રાજીનામા આપવા કયા-કયા કારણ અપાયા

-વતન નજીક લોકરક્ષક દળમાં નિમણૂંક મળી હોવાથી

-પહેલેથી જ સરકારી નોકરીમાં જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવુ છું.

-પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ ખાતે ફરજ બજાવુ છું.

-અમો શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવીએ છીએ.

-મારે સ્વૈચ્છાએ આ નોકરી જોઈતી નથી.

-વ્યકિતગત કારણસર નોકરીમા જોડાઈ શકુ એમ નથી.

-બીજી જગ્યાએ નોકરી હોવાથી મારે નોકરીની જરુર નથી.

-પોલીસ ભરતી બોર્ડમાં ઉત્તિર્ણ થયેલ હોવાથી નોકરી જોઈતી નથી.

-અન્ય સ્થળે સરકારી નોકરીમા ફરજ બજાવુ છુ.

-રજિસ્ટ્રાર સરકારી મંડળી,ગાંધીનગર ખાતે ફરજ બજાવુ છું.