Get The App

કામે રહ્યાના ચોથા દિવસે જ કારીગર રૂા. 36.51 લાખનું સોનુ ચોરી ફરાર

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
કામે રહ્યાના ચોથા દિવસે જ કારીગર રૂા. 36.51 લાખનું સોનુ ચોરી ફરાર 1 - image

રાજકોટમાં વધુ એક વેપારીનું સોનુ કારીગર લઇ ગયો વેપારી થોડીવાર માટે નાસ્તો કરવા ઘરે જતાં પાછળથી કારીગર 7  જ મિનિટમાં તિજોરી સાફ કરી ગયો

રાજકોટ, : રાજકોટના વેપારીઓનું સોનુ લઇ અગર તો ચોરી કારીગરો ભાગી જતાં હોવાના કિસ્સા અટકવાનું નામ નથી રહ્યા. વધુ એક વેપારીનું રૂા. 36.51 લાખનું સોનુ ચોરી પશ્ચિમ બંગાળનો કારીગર અક્ષય બાઉળી ભાગી ગયાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.  જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.

સોની બજારના દરબારગઢ ચોકમાં રહેતા કલ્પેશભાઈ મથુરભાઈ કાતરિયા (ઉ.વ. 34) ઘરની નીચેના ભાગે માણેક ગોલ્ડ કોસ્ટિંગ નામે કારખાનુ રાખી સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે બારેક વર્ષ પહેલા તે સુરતની ઝવેરી પેઢીમાં નોકરી કરતા હતા ત્યારે આરોપી સાથે સંપર્ક થયો હતો. છેલ્લા નવેક વર્ષથી તેણે ઘર  નીચે સોનાના દાગીના બનાવવાનું કામ શરૂ કર્યું હતું.

ગઇ તા. 1 જાન્યુઆરીના રોજ આરોપીએ તેના કારખાને આવી કામે રાખવાનું કહેતા પરિચિત હોવાથી કામે રાખી દીધો હતો. આરોપી ત્યારે રામનાથપરા શેરી નં. 14માં રહેતો હતો. ગઇ તા. 4 જાન્યુઆરીના રોજ સવારે રાબેતા મુજબ તેણે કારખાનુ ખોલ્યું હતું. થોડીવાર બાદ પત્ની ત્રિગુણાએ કોલ કરી નાસ્તો કરવા બોલાવતા ઘરે નાસ્તો કરવા ગયા હતા.

નાસ્તો કરતા હતા ત્યારે ઘરની બેલ વાગતા પત્ની ત્રિગુણાએ નીચે જઇ દરવાજો ખોલ્યો હતો. આવીને કહ્યું કે આરોપી કામે આવ્યો છે. તે વખતે તેને યાદ આવ્યું કે કારખાનાની તિજોરીમાં જ ચાવી રહી ગઇ છે. જેથી તત્કાળ કારખાનામાં પહોંચતા આરોપી જોવા મળ્યો ન હતો. તિજોરીમાં જોતાં પાર્ટી તરફથી આવેલું 270.280 ગ્રામ શુધ્ધ સોનુ અને 38.740 ગ્રામ 18 કેરેટ સોનાનો ભૂક્કો ગાયબ હતો. આ રીતે આરોપી માત્ર 7 મિનિટમાં જ સોનુ ચોરી ભાગી ગયો હતો. 

તત્કાળ તેણે આરોપીની આસપાસ તપાસ કરી હતી. પરંતુ મળ્યો ન હતો. મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. ઘરે તપાસ કરતાં ત્યાં પણ મળ્યોન હતો. આજ સુધી તેની તપાસ કરી હતી. પરંતુ પત્તો નહીં મળતાં આખરે ફરિયાદ નોંધાવી હતી.