Gujarat

અધિકારીઓએ પોતાની કચેરીના જ હુકમની માહિતી છુપાવવા અરજદારને ધક્કા ખવડાવ્યા

By GS TEAM
10 Feb 20262 mins read
અધિકારીઓએ પોતાની કચેરીના જ હુકમની માહિતી છુપાવવા અરજદારને ધક્કા ખવડાવ્યા

નડિયાદ મહાનગરપાલિકામાં આરટીઆઈ કાયદાના લીરેલીરા

નગર પ્રાથમિક શાળાના મકાન ફાળવણીના હુકમની વિગતો આપવાને બદલે અરજી એક કચેરીથી બીજી કચેરીમાં ફંગોળી

નડિયાદ: નડિયાદમાં મિશન રોડ પરની શાળાના રૂમો ફાળવવા બાબતના પત્રની માહિતી છુપાવવા પાલિકાના અધિકારીઓએ અરજદારને એક મહિના સુધી ધક્કે ચઢાવી માહિતી અધિકારના કાયદાની મજાક ઉડાવી હોવાનું બહાર આવ્યું છે. પોતાની જ કચેરીના રેકર્ડ પર ઉપલબ્ધ માહિતી આપવાને બદલે અરજી વારંવાર તબદીલ કરી ગેરમાર્ગે દોરનાર માહિતી અધિકારી વિરુદ્ધ કડક પગલાં લેવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

નડિયાદ મહાનગરપાલિકામાં માહિતી અધિકારના કાયદાનો ઉલાળિયો કરવામાં આવતો હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક નાગરિક દ્વારા મિશન રોડ પર આવેલી નગર પ્રાથમિક શાળા નંબર ૨૨ના મકાનમાં બી.એમ. પટેલ બાલ અધ્યાપન મંદિરને બેસવા દેવાની મંજૂરી અંગેની માહિતી માંગવામાં આવી હતી. આ માહિતી નડિયાદ નગરપાલિકાના તત્કાલીન મુખ્ય અધિકારી અને હાલના ઈન્ચાર્જ નાયબ મ્યુનિસિપલ કમિશનરના હુકમથી જ અપાઈ હોવા છતાં, જન માહિતી અધિકારીએ અરજદારને માહિતી આપવાને બદલે અરજી વારંવાર તબદીલ કરીને ગેરમાર્ગે દોર્યા હોવાની ફરિયાદ ઉઠી છે.

અરજદારે જાન્યુઆરીની શરૂઆતમાં કરેલી અરજીને મહાનગરપાલિકાના માહિતી અધિકારીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મોકલી આપી હતી, જ્યાંથી આ માહિતી તેમની પાસે ઉપલબ્ધ ન હોવાનું જણાવી પરત મોકલાઈ હતી. આમ છતાં ફરીથી એ જ કચેરીમાં અરજી ધકેલી દેવામાં આવતા અરજદારે માનસિક પરેશાની ભોગવવી પડી હતી. આખરે અન્ય સંસ્થા પાસેથી મેળવેલા પુરાવાઓ દ્વારા સાબિત થયું હતું કે, મકાન ખાલી કરાવવાનો અને ફાળવવાનો હુકમ ખુદ નગરપાલિકા કચેરી દ્વારા જ ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ કરવામાં આવ્યો હતો. પોતાની જ કચેરીના રેકર્ડ પર ઉપલબ્ધ માહિતી આપવાને બદલે અરજદારને એક મહિના સુધી દોડાવતા આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને વહીવટદારને લેખિતમાં રજૂઆત કરી કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.