NSUI Workers Detained in Rajkot: ગુજરાતમાં સતત પકડાઈ રહેલા ડ્રગ્સના જથ્થા અને દારૂબંધીના અમલીકરણ સામે સવાલો ઊઠાવી આજે (24મી ફેબ્રુઆરી) રાજકોટમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના કાર્યકરો દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો. શહેરના વ્યસ્ત એવા કિશાનપરા ચોક ખાતે કાર્યકરોએ અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર ઉતરી આવી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યાં હતા. આ દરમિયાન ચક્કાજામનો પ્રયાસ કરતા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

અર્ધનગ્ન હાલતમાં દેખાવ
રાજ્યના યુવાધનને બરબાદ કરી રહેલા ડ્રગ્સ અને દારૂના દૂષણને રોકવામાં સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે NSUIના કાર્યકરો મંગળવારે રસ્તા પર ઉતર્યા હતા. આ દેખાવને વધુ તેજ બનાવવા માટે કાર્યકરોએ કપડાં ઉતારી અર્ધનગ્ન હાલતમાં દેખાવ કર્યો હતો. કાર્યકરોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણના ધામો સુધી નશો પહોંચી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો: અમદાવાદ: વેજલપુરમાં આગના કારણે પિતા-પુત્રનું ગાઢ નિદ્રામાં જ મોત, માતા ઈજાગ્રસ્ત
કિશાનપરા ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં કાર્યકરોએ રસ્તા પર બેસી જઈ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. દેખાવ કરી રહેલા NSUIના હોદ્દેદારો અને કાર્યકરોને પોલીસે બળજબરીપૂર્વક હટાવ્યા હતા. પોલીસે શિસ્તભંગ અને જાહેર માર્ગ પર અવરોધ ઉભો કરવા બદલ તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન પણ કાર્યકરોએ 'ડ્રગ્સ મુક્ત ગુજરાત' ના નારા લગાવ્યા હતા.


