Gujarat

જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ગઈકાલે નહિવત વધારો: મૃત્યુનો દર પણ યથાવત

By GS Team
5 Feb 20222 mins read
This article was originally published on 5 Feb 2022
જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ગઈકાલે નહિવત વધારો: મૃત્યુનો દર પણ યથાવત

- જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં વધુ ત્રણ દર્દીઓએ દમ તોડયો

જામનગર, તા. 05

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો હતો, પરંતુ તેમાં ગઈકાલે નજીવો વધારો થયો છે. ઉપરાંત મૃત્યુનો દર પણ યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેર અને ગ્રામ્યના 86 કેસ નોંધાયા છે, જેની સામે 268 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા છે. જોકે કોરોનાના કારણે વધુ 3 દર્દીઓના મૃત્યુ થયા છે. જેથી હજુ પણ લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. જી.જી.હોસ્પિટલમાં કુલ 66 દર્દીઓ સારવાર હેઠળ છે, જે પૈકી 11 દર્દીને વેન્ટિલેટર પર રખાયા છે.

જામનગર શહેર અને જિલ્લામાં મંગળવાર થી કોરોનાના કેસનો આંકડો ધીમેધીમે ઘટી રહ્યો હતો. જેમાં ગઈકાલે નજીવો વધારો થયો છે, અને જામનગર શહેરના 75, જ્યારે ગ્રામ્યના 11 સહિત કુલ 86 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સામે જામનગર શહેરના 175 દર્દીને કોરોના મુક્ત જાહેર કરાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 93 સહિત કુલ 268 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા મામદભાઇ ઇબ્રાહીમભાઇ નામના 83 વર્ષના દર્દીની કોરોના ની સારવાર દરમિયાન ગઈકાલે સાંજે મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પોરબંદરનાં વતની મેઘાભાઈ વેજુભાઈ ઓડેદરા નામના દર્દીનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકાના વતની રામીબેન કરસનભાઈ વસરા નામના વૃદ્ધ મહિલા દર્દીનું પણ કોરોના ની સારવાર દરમિયાન જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલના મૃત્યુ નિપજયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન જી.જી. હોસ્પિટલના બિછાને કોરોનાના કારણે ૩ દર્દીઓના મૃત્યુને લઈને ભયનો માહોલ ફેલાયો છે, અને લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

આ ઉપરાંત જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં હાલ માત્ર 65 દર્દી દાખલ છે, જેમાં 62 દર્દી કોરોના પોઝીટીવ છે. જ્યારે ત્રણ દર્દીને કોરોનાના શંકાસ્પદ દર્દી ગણી સારવાર અપાઇ રહી છે.હજુ પણ 11 દર્દી વેન્ટિલેટરની મદદથી સારવાર મેળવે છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 24 કલાક દરમિયાન 1678 કોવિડ પરીક્ષણ કરાયા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1,345 પરીક્ષણ કરાયા છે, અને સમગ્ર જિલ્લામાં કુલ 3,023 લોકોનું પરીક્ષણ કરાયું છે. જેમાં 86 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.