Vadodara Corporation Elections : વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી આગામી તા.26મીએ યોજવાની છે સ્થાનિક રહીશો પોતાની માંગ બાબતે પોતાના કામ બાબતે ઉમેદવારોને પોતાના અધિકાર અને તેમને પાંચ વર્ષમાં પડેલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે અંગે હવે આવા જ ઉઠાવવાના દિવસો મતદારોના છે તેમ કહી 'કામ નહીં તો વોટ નહીં'ના બેનરો લગાવવામાં આવી રહ્યા છે.
આવા જ એક બનાવમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ઇલેક્શન વોર્ડ- 6માં છેલ્લા પાંચ વર્ષમાં પ્રાથમિક સુવિધાના ફાંફા પડતા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી દેવાયા હતા. આવા બેનરોમાં જરૂરી પ્રાથમિક કામ નહીં તો વોટ નહીંના બેનરો સાથે રહીશોએ ચૂંટણી બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે. પરિણામે સ્થાનિક વોર્ડના ઉમેદવારો અને તેમના કાર્યકરો દોડતા થઈ ગયા હતા.
વોર્ડ-6માં આવતા સુમેર ડુપ્લેક્સના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનરો આ વિસ્તારમાં લગાવાયા હતા. જેમાં જણાવ્યું હતું કે, જે તે વખતે અગાઉના કોર્પોરેટરો સ્થાનિકોની પાયાની મુખ્ય સુવિધાઓ આપવામાં નિષ્ફળ નિવડયા છે. વારંવાર રજૂઆત છતાં પણ આંખ આડા કાન જે તે વખતના કોર્પોરેટરોએ કર્યા હતા. સ્થાનિક સુવિધાઓ આપવામાં પણ વામણા પુરવાર થયા હતા. જેથી આ વખતની પાલિકા ચૂંટણીમાં વિસ્તારના રહીશોએ આ પ્રકારનું પગલું ભરવા મજબૂર બન્યા હતા.
સ્થાનિક રહીશોના મતે કોર્પોરેટરો વિસ્તારમાં પાંચ વરસ દરમિયાન ક્યારેય ફરક્યા નથી કે કોઈપણ મુશ્કેલીમાં દેખાયા નથી. વારંવાર ધક્કા ખાવા છતાં પણ પ્રોપર્ટી કાર્ડ નહીં નીકળતા વિસ્તારના લોકો અવઢવમાં મુકાયા હતા અને સ્થાનિક કોર્પોરેટરોને જવાબદાર ગણ્યા હતા. આ વિસ્તારમાં કાયમી ધોરણે પ્રાથમિક જરૂરિયાતના સૌથી અગત્યના પાણી મુદ્દે ખૂબ ઓછા દબાણથી અને ગંદા પાણીની સમસ્યા દૂર કરી અને પ્રેશરથી પૂરતા પ્રમાણમાં પાણી આપવાની રહીશોએ કરેલી માંગ પણ જે તે વખતના સ્થાનિક કોર્પોરેટરોએ ધ્યાને લીધી નથી.
સ્વચ્છતાની વાતો પોકળ સાબિત કરીને વિસ્તારમાંથી ગંદકી પણ કર્મચારીઓ દ્વારા હટાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આવું ગંદકીનું સામ્રાજ્યથી દૂર કરી ગાર્ડનની અનામત ખુલ્લી જગ્યામાં ગાર્ડન બનાવવાની માંગ પણ પૂરી કરી શક્યા નથી. સોસાયટીમાં આવતા મુખ્ય દબાણો દૂર કરવા માટેની રહીશોએ કરેલી માંગ પણ કાગળ પર જ રહી ગઈ હતી. પરિણામે સ્થાનિકોએ ઇલેક્શન વોર્ડ નંબર 6 માં પ્રાથમિક સુવિધા નહીં તો વોટ નહીં ના બેનર લગાવવા પડ્યા હતા.


