- સરપંચ વિરુદ્ધ આઠ સભ્યોએ મત આપ્યો
- સરપંચ મનસ્વી રીતે વહીવટ કરતા હોવાના આક્ષેપ સાથે સભ્યો નારાજ થઇ અવિશ્વાસ દરખાસ્ત લાવ્યા
ડાકોર : ઠાસરા તાલુકાના માસરા ગામે લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય ગરમાવાનો અંત આવ્યો છે. ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કરવામાં આવતા મનસ્વી વહીવટ અને સભ્યોની અવગણના સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત બહુમતી સાથે મંજૂર કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર તાલુકાના પંચાયતી રાજમાં ખળભળાટ મચી ગયો છે.
માસરા ગ્રામ પંચાયતના સભ્યોનો આક્ષેપ હતો કે, સરપંચ દ્વારા પંચાયતનો વહીવટ એકતરફી રીતે કરવામાં આવતો હતો. વિકાસના કામોમાં અન્ય સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નહોતા અને સરપંચ પોતાની મનમાની ચલાવતા હતા. તારીખ ૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ બહુમતી દાખવી અવિશ્વાસની દરખાત તલાટીને આપી હતી. જેમાં તલાટીએ સરપંચને મીટિંગ બોલાવવા માટે જણાવ્યું હતું. સરપંચે મીટિંગ ના બોલાવતા સભ્યોએ તલાટી મારફતે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી અને તાલુકા વિકાસ અધિકારીએ મીટિંગ બોલાવવા માટે પ્રયત્ન કર્યા હતા. જેમાં સરપંચ દ્વારા તેમ છતાંય મીટિંગ ના બોલાવતા તાલુકા વિકાસ અધિકારી ઠાસરા મીટિંગ બોલાવવા માટે વિસ્તરણ અધિકારીને માસરા પંચાયતમાં મોકલીને મીટિંગ બોલાવી હતી. તારીખ ૧૦ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ બોલાવી હતી. જેમાં સરપંચ વિરુદ્ધ આઠ સભ્યોએ મત આપ્યો હતો, જયારે સરપંચ સાથે બે મત તેમની તરફેણમાં હતા. જેથી બહુમતી જાહેર થતા અવિશ્વાસનો પ્રસતાવ મંજૂર કરવામાં આવ્યો હતો. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, માસરા ગામે અવિશ્વાસની દરખાસ્ત મંજુર થઇ ગઈ છે, પરંતુ પંચાયત અધિનિયમ મુજબ સક્ષમ અધિકારીની સત્તાએ અવિશ્વાસના પ્રસ્તાવ બાબતે મારી કચેરીએથી ૭૨ કલાક પછી હુકમ કરવામાં આવશે.


