Gujarat

નડિયાદની નર્સિંગ કોલેજના વિદ્યાર્થી 'જય'ના આપઘાત કેસમાં 5 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ નહીં

By GS TEAM
10 Feb 20262 mins read
નડિયાદની નર્સિંગ કોલેજના વિદ્યાર્થી 'જય'ના આપઘાત કેસમાં 5 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ નહીં

- કોલેજના પ્રિન્સિપાલ, ત્રણ પ્રોફેસરો અને સ્મિત નામના એક અન્ય શખ્સ સહિત કુલ 5 ફરાર

- તંત્રની 'સુસ્તી' સામે દલિત સમાજમાં રોષ : 24 કલાકનું અલ્ટીમેટમ, આરોપીઓ નહીં પકડાય તો ન્યાય માટે રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

નડિયાદ : નડિયાદની 'દિનશા પટેલ નર્સિંગ કોલેજ'ના વિદ્યાર્થી 'જય પાટીલ'ના આપઘાત પ્રકરણમાં પાંચ દિવસ બાદ પણ મુખ્ય આરોપીઓની ધરપકડ ન થતા દલિત સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. સામાજિક અગ્રણીઓએ પોલીસ પ્રશાસનને અલ્ટીમેટમ આપતા ચેતવણી આપી છે કે, જો આગામી ૨૪ કલાકમાં આરોપીઓ નહીં પકડાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે. હાલ પોલીસની વિવિધ ટીમો ફરાર પ્રિન્સિપાલ અને પ્રોફેસરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.

નડિયાદની 'દિનશા પટેલ નર્સિંગ' કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી 'જય પાટીલ'ના આપઘાત મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ મુખ્ય આરોપીઓ સુધી પહોંચી શકી નથી, જેને પગલે દલિત સમાજ અને પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સામાજિક અગ્રણીઓએ પોલીસ પ્રશાસનને ચેતવણી આપી છે કે, જો આગામી ૨૪ કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, તો અનુસૂચિત જાતિ સમુદાય દ્વારા નડિયાદ ખાતે ધરણાં અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. 

આ કેસની તપાસ કરી રહેલા એટ્રોસિટી સેલના ડીવાયએસપી સાથે પરિવાર અને અગ્રણીઓએ મુલાકાત કરી હતી, જેમાં તપાસની ધીમી ગતિ અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. આ કેસની વિગતો મુજબ, કોલેજના પ્રિન્સિપાલ, ત્રણ પ્રોફેસરો અને સ્મિત નામના એક અન્ય શખ્સ સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. જોકે, તમામ આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ડીવાયએસપીએ ખાતરી આપી છે કે, એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમો ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર તપાસ કરી રહી છે. સામાજિક અગ્રણીએ આક્ષેપ કર્યો છે કે, ચાર તારીખે ફરિયાદ થઈ હોવા છતાં તંત્ર નિષ્ક્રિય છે. જો પોલીસ દ્વારા આપવામાં આવેલી ૨૪ કલાકની સમયમર્યાદામાં પરિણામ નહીં મળે, તો સમગ્ર જિલ્લાના દલિત સમાજ દ્વારા ન્યાય માટે રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

તપાસ માટે પોલીસની વિવિધ એજન્સીઓ મેદાને

આ કેસની તપાસ ચલાવી રહેલા ડી.વાય.એસ.પી. કૃણાલ રાઠોડે જણાવ્યું હતું કે, આરોપીઓને ઝડપી પાડવા માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમોને પણ કામે લગાડવામાં આવી છે. પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઈને આરોપીઓના લોકેશન મેળવવા તજવીજ હાથ ધરાઈ છે અને વહેલી તકે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે.