Gujarat

સુરતમાં પનાસ કેનાલ પાસે આવાસ મકાનોના રીડેવલપમેન્ટ માટે બીજી વખતના ટેન્ડરમાં પણ કોઈ એજન્સી આવી નહીં

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
પાલિકાને કતારગામ, માન દરવાજા સહિતના રી-ડેવલપમેન્ટ માટે ખાસ સફળતા મળતી નથી : ત્રીજી વખત ટેન્ડર બહાર પડાયા

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં પનાસ કેનાલ પાસે આવાસ મકાનોના રીડેવલપમેન્ટ માટે બીજી વખતના ટેન્ડરમાં પણ કોઈ એજન્સી આવી નહીં

Surat : રાજ્ય સરકારે ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ યોજના 2016 અંતર્ગત સુરત પાલિકા કામગીરી કરી રહી છે પરંતુ ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ માટે પાલિકાને યોગ્ય પ્રતિસાદ મળતો નથી. પીપીપી માટે પાર્ટનર શોધવા અને કામગીરી પાલિકા માટે પડકાર બની રહી છે. પાલિકાએ રવિવારે આંજણા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટનું લોકાર્પણ તો કર્યું પરંતુ હવે પનાસ આવાસ રી-ડેવલપમેન્ટ માટે પાલિકાને બે પ્રયાસ બાદ પણ કોઈ એજન્સી ન મળતા ટેન્ડરનો ત્રીજો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. 

સુરત પાલિકાના અઠવા ઝોનમાં પનાસ કેનાલ ખાતે બનેલા પ્રજ્ઞા આવાસ જર્જરિત થતાં તેને તોડી પાડવાની કામગીરી સાથે સરકારના ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આ આવાસ રીડેવલપમેન્ટ પાલિકાએ કવાયત શરૂ કરી છે. સુરત પાલિકાએ વર્ષ 2002માં પાલિકાએ અઠવા ઝોન વિસ્તારમાં આવાસ બનાવી લાભાર્થીઓને આપ્યા હતા. પ્રજ્ઞા આવાસ બનાવ્યા બાદ પાલિકાએ આવાસ જર્જરિત થતાં 2016 માં ખાલી કરવા માટે નોટિસ આપી હતી. હાલ આ આવાસ જર્જરિત થતાં વસવાટ ખાલી કરાવી દેવાયો છે માત્ર પંદર વર્ષના ગાળામાં આવાસ ખખડધજ બની ગયા હતા. 

સુરતના ટીપી સ્કીમ નં.4 (ઉમરા-સાઉથ) એફપી નં.134માં સ્થિત જર્જરિત પનાસ EWS આવાસના વિવિધ બિલ્ડિંગોની કુલ 704 આવાસોના રિડેવલપમેન્ટ માટે નિર્ણય કરાયા બાદ પાલિકાએ પીપીપી પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. પહેલીવારના ટેન્ડરમાં કેટલીક એજન્સીએ રસ લીધો હતો પરંતુ કોઈ એજન્સીએ બીડ કરી ન હોવાથી પાલિકાએ બીજી વખત ટેન્ડર બહાર પાડ્યા હતા. આ બીજી વખતના ટેન્ડરમાં પણ કોઈ એજન્સી આગળ ન આવતા પાલિકાએ ત્રીજી વખત પીપીપી માટે ટેન્ડર બહાર પાડ્યા છે. પાલિકાને મહા મહેનતે માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ એજન્સી મળી હતી તે કામગીરી થયા બાદ હજી પણ સ્થળ પર કામગીરી શરૂ થઈ શકી નથી.