Gujarat

30 વર્ષ મંત્રી રહેલા નિતીન પટેલે બેરોજગારોના નામે રાજકીય રોટલો શેકવા પ્રયાસ કર્યો

By GS Team
25 Jan 20222 mins read
This article was originally published on 25 Jan 2022
30 વર્ષ મંત્રી રહેલા નિતીન પટેલે બેરોજગારોના નામે રાજકીય રોટલો શેકવા પ્રયાસ કર્યો

નાયબ મુખ્યમંત્રી પદ છીનવાતાં નિતીન પટેલ રઘવાયા થયા

નિતીન પટેલ સરદારધામ-પાટીદારોના કાર્યક્રમમાં જ સરકારની કેમ ટીકા કરે છે તેની પાછળનું રહસ્ય શું છે

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી પદ ગુમાવ્યા બાદ નિતીનપટેલ સતત ચર્ચામાં રહ્યા છે. અમદાવાદમાં સરદારધામમાં ઇ-લાઇબ્રેરીના ઉદઘાટન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જ રોજગારીના મુદ્દે સવાલો ઉભા કર્યા હતાં કે, મહેનત કર્યા બાદ પણ નોકરી  માટે પુરતી તક મળતી ન હોવાથી શિક્ષિત યુવાઓમાં વિદેશ જવાનો મોહ છે.

30 વર્ષ સુધી ધારાસભ્ય-મંત્રીપદ ભોગવનારાં નિતીન પટેલે શિક્ષિત યુવા-બેરોજગારોના નામે રાજકીય રોટલો શેકવા પ્રયાસ કર્યો છે. ખુદ ભાજપના કાર્યકરો કહી રહ્યા છેકે,  અચાનક જ નાયબ મુખ્યમંત્રી પદ છિનવી લેવાતાં નિતીન પટેલ જાણે રઘવાયા થયાં છે. 

નિતીન પટેલ કેટલાંય વર્ષો સુધી ભાજપના ધારાસભ્ય જ નહીં, પણ ભાજપની સરકારમા વિવિધ વિભાગના મંત્રી રહી ચૂક્યા છે. છેલ્લે તો નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રીપદ અપાયુ હતું. હવે જયારે તેમને અચાનક જ વિદાય આપવામાં આવી છે ત્યારે તેઓ ઘાંઘા થયા છે.

60થી વધુ વર્ષ વટાયા છતાં હજુ નીતિન પટેલને મંત્રી બનવાનો અભરખો છે. તેઓ પાટીદાર સમાજના જ કાર્યક્રમમાં રાજકીય નિવેદનબાજી કરી સહાનુભૂતિ મેળવવા મથામણ કરી રહ્યા છે. 

અમેરિકા-કેનેડા બોર્ડર પર ચાર ગુજરાતીઓના મોત થવાની ઘટના સંદર્ભમાં નીતિન પટેલે બેરોજગારીને આગળ ધરી પાટીદારોની સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કર્યો હતો.  સરકાર પર આડકતરૂં નિશાન સાધતા એવી પ્રતિક્રિયા આપી કે, અથાગ સંઘર્ષ છતાય ભારતમાં યુવાઓને સારી તક મળતી નથી. ધંધા-નોકરી પણ મર્યાદિત છે. અહીં ભવિષ્ય ઉજળુ નથી.

આ કારણોસર શિક્ષિત યુવાઓને વિદેશનો મોહ જાગ્યો છે. તેમને સરકારને વણમાંગી સલાહ આપી કે, સરકારે ધંધારોજગાર-નોકરી માટે એવી તક ઉભી કરવી જોઇએ જેથી યુવાઓમાં વિદેશનો મોહ ઓછો થાય. અત્યાર સુધી આ જ નીતિન પટેલ રોજગારીના મામલે ગુજરાત નંબર-1 એવુ કહેતાં હતાં.

મંત્રી પદ ગુમાવ્યા બાદ તેમના સૂર બદલાયાં છે. એવા ય સવાલ ઉઠયા છેકે, નીતિન પટેલ માત્ર પાટીદારોના જ કાર્યક્રમમાં કેમ સરકાર વિરોધી નિવેદન કરી રહ્યા છે તેનુ રહસ્ય શું છે. સરકારની પ્રતિષ્ઠા ખરડાય તેવા નિવેદન કરવા પાછળનો નીતિન પટેલનો હેતુ શો છે તે ચર્ચાનો વિષય બન્યો છે. 

સોશિયલ મિડીયામાં નીતિન પટેલ વિરૂધ્ધ પણ કોમેન્ટોનો મારો ચાલ્યો છે. લોકો એવી કોમેન્ટ કરી રહ્યાં છેકે, 20 વર્ષથી વધુ સમય મંત્રી તરીકે રહ્યા હતાં ત્યારે કેમ બેરોજગારો માટે કામ કર્યુ નહીં. હવે જયારે મંત્રીપદ છિનવી લેવાયુ છે ત્યારે તમને શિક્ષિત યુવાઓની ચિંતા થવા માંડી છે.

કોઇકે એવી ય કોમેન્ટ કરી કે, સત્તાની બહાર બેઠા છો એટલે હવે ખબર પડી. લોકો એવી ય ટિખળ કરી રહ્યા છેકે, નીતિન કાકા, હવે અમેરિકાના વિઝા લેવાના મૂડમાં છે. શિક્ષિત બેરોજગારોએ તો એવુ કહી રહ્યા છેકે, સીએમ બનવાની તક ન મળતાં નીતિન પટેલ ઉભરો ઠાલવી રહ્યા છે.