Bharatmala Expressway news: વડોદરાના પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે એટલે કે એનઈ-4 પર નેશનલ હાઈવે ઓથોરિટિ દ્વારા ટોલના દરમાં 20થી 30 ટકા જેટલો ઘટાડો કરાયો છે અને આ નવા દર તા. 1 એપ્રિલથી અમલમાં આવશે.
ભારતમાલા એક્સપ્રેસ વે (NE-4)નો વિસ્તાર
એનઈ-4 ભારતમાલા એક્સપ્રેસ વે તરીકે ઓળખાતા આ હાઈવે પર વડોદરાથી ભરૂચ સુધી વાહનોની અવરજવર થતી હતી પરંતુ હવે આ એક્સપ્રેસ વે પર છેક બારડોલી નજીક એના સુધી જઈ શકાય છે. વડોદરા જિલ્લામાં આ હાઈવે પરથી પસાર થવા માટે ચાર ટોલ પ્લાઝા છે. જેમાં દોડકા, ફાજલપુર અને સમીયાલા તેમજ કરજણ તાલુકાના સાંપા ગામનો સમાવેશ થાય છે.
વાહનચાલકોને આર્થિક રાહત: ટોલ દરોમાં ઘટાડો
દોડકા, સમીયાલા અને ફાજલપુરથી ભરૂચના દહેગામ તરફ મુસાફરી કરતા કાર, જીપ અને વાન જેવા વાહનોના ચાલકોએ હવે ઓછો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે તરીકે જાણીતા આ હાઈવે પર વાહનોની અવરજવર સતત વધી રહી છે. અઢી વર્ષ પૂર્વે જ્યારે આ હાઈવે ખુલ્લો મુકાયો ત્યારે શરૂઆતમાં મુસાફરી નિઃશુલ્ક હતી, પરંતુ ઓક્ટોબર-2024થી ટોલ વસૂલાત શરૂ કરવામાં આવી હતી. અગાઉના વર્ષે એપ્રિલમાં ટોલના દરોમાં વધારો કરવામાં આવ્યો હતો, જેની સરખામણીએ હવે દરોમાં આશ્ચર્યજનક ઘટાડો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો!



