Gujarat

ગુજરાત પોલીસની બોર્ડર રેન્જનું વિભાજન: નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ, મુખ્ય મથક પાલનપુર

By GS TEAM
4 Jun 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સરહદી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને વહીવટી સરળતા લાવવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની વિશાળ ગણાતી 'બોર્ડર રેન્જ'નું વિભાજન કરીને હવે નવી 'બનાસકાંઠા રેન્જ' ની રચના કરવામાં આવી છે, જેનું મુખ્ય મથક પાલનપુર ખાતે કાર્યરત થશે. આ સાથે જ સરહદી જિલ્લાઓને સાંકળતા પોલીસના રેન્જ માળખામાં પણ મોટો ફેરબદલ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત પોલીસની બોર્ડર રેન્જનું વિભાજન: નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ, મુખ્ય મથક પાલનપુર

New Banaskantha Police Range: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સરહદી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને વહીવટી સરળતા લાવવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની વિશાળ ગણાતી 'બોર્ડર રેન્જ'નું વિભાજન કરીને હવે નવી 'બનાસકાંઠા રેન્જ'ની રચના કરવામાં આવી છે, જેનું મુખ્ય મથક પાલનપુર ખાતે કાર્યરત થશે. આ સાથે જ સરહદી જિલ્લાઓને સાંકળતા પોલીસના રેન્જ માળખામાં પણ મોટો ફેરબદલ કરાયો છે.

વિભાજન કેમ અનિવાર્ય બન્યું?

ગૃહ વિભાગના ઠરાવ અનુસાર, રાજ્યમાં હવે નવી 'બનાસકાંઠા રેન્જ' અસ્તિત્વમાં આવશે, જેનું મુખ્ય મથક પાલનપુર ખાતે રાખવામાં આવ્યું છે. અગાઉની બોર્ડર રેન્જ (ભુજ-કચ્છ) હેઠળ પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, પાટણ અને બનાસકાંઠા એમ ચાર વિશાળ જિલ્લાઓ આવતા હતા. આ રેન્જનો ભૌગોલિક વિસ્તાર આશરે 550 કિલોમીટર જેટલો અત્યંત મોટો હતો અને તેમાં 406.87 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ તથા 238 કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર સામેલ હતો. 

પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા આ છેવાડાના વિસ્તારો અને પોલીસ સ્ટેશનો પર દેખરેખ રાખવી તેમજ કાયદો-વ્યવસ્થાનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ બનતું હતું. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવ નિર્મિત વાવ-થરાદ જિલ્લો કાર્યરત કરવામાં આવ્યો છે. આ તમામ ભૌગોલિક અને વહીવટી પાસાઓને ધ્યાને રાખીને નવી રેન્જની રચના અનિવાર્ય બની હતી. રેન્જનું નવું માળખામાં મોરબી જિલ્લાનો સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો: અમદાવાદ: જગતપુર ચાર રસ્તા પાસે જીવલેણ ડ્રાઈવિંગ કરતો ડમ્પર ચાલક ઝડપાયો, વીડિયો વાઈરલ થતાં પોલીસની કાર્યવાહી  

હવે કેવું રહેશે રેન્જનું નવું માળખું

•બોર્ડર રેન્જ: આ રેન્જમાં હવે પશ્ચિમ કચ્છ-ભુજ, પૂર્વ કચ્છ-ગાંધીધામ અને મોરબી જિલ્લાનો સમાવેશ થશે. મોરબી જિલ્લો અગાઉ રાજકોટ રેન્જમાં હતો, પરંતુ તે કચ્છની સરહદને અડીને આવેલો હોવાથી તેને બોર્ડર રેન્જમાં ભેળવવામાં આવ્યો છે.

•બનાસકાંઠા રેન્જ: પાલનપુર મુખ્ય મથક ધરાવતી આ નવી રેન્જ છે. જેમાં પાલનપુર, પાટણ અને નવનિર્મિત વાવ-થરાદ-જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

•રાજકોટ રેન્જ: મોરબી અલગ થયા બાદ હવે આ રેન્જમાં રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાઓ રહેશે.

ગૃહ વિભાગના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી ભારત-પાકિસ્તાનની સરહદ પર ઘૂસણખોરી અને ડ્રગ્સની હેરાફેરી જેવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી શકાશે, તેમજ સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે.