Get The App

મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી, વટવા બીબી તળાવ પાસે ભૂવામાં યુવક બાઈક સાથે ગરકાવ થઈ ગયો

ફાયર વિભાગની સાથે ઝોનના એડીશનલ સીટી ઈજનેરે વિગતો છુપાવી,શહેર ભાજપ પ્રમુખની કાર ઉપર વૃક્ષ પડયું

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી, વટવા બીબી તળાવ પાસે ભૂવામાં યુવક બાઈક સાથે ગરકાવ થઈ ગયો 1 - image

અમદાવાદ,બુધવાર,6 મે,2026

અમદાવાદમાં વટવા બીબી તળાવ પાસે ગત રાત્રિએ બાઈક સાથે પસાર થઈ રહેલ યુવક ભૂવામા ગરકાવ થઈ ગયો હતો.રાત્રિના ૮.૩૦ની આસપાસની આ ઘટના હોવા છતાં ફાયર વિભાગ અને ઝોનના એડીશનલ સીટી ઈજનેરે આ પ્રકારની ઘટના બની હોવાનો બુધવારે સવારે ૯.૩૦ કલાકે સ્વીકાર કર્યો હતો.મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી છતાં ઈજાગ્રસ્ત યુવક એલ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને મહામંત્રી દર્શક ઠાકરની કાર ઉપર વૃક્ષ પડવાની ઘટના  મંગળવારે રાતે બની હતી.ઘટનામા બંનેનો આબાદ બચાવ થયો હતો.ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ,અંકિત યાદવ નામનો યુવાન મંગળવારે રાત્રિના સમયે બીબી તળાવ પાસેથી બાઈક ઉપર પસાર થઈ રહયો હતો તે સમયે  મોટા ભૂવામા ગરકાવ થઈ જતા આ અણધારી દુર્ઘટના જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.લોકોએ સાવચેતી વાપરીને આસપાસ બેરીકેડસ મૂકી દીધા હતા.જેથી અન્ય કોઈ વાહન ભૂવામા ના ખાબકે.ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામા આવતા  ફાયરના જવાનોએ ભારે મહેનત પછી  દોરડાની મદદથી ભૂવામા ગરકાવ થયેલા યુવકને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યો હતો.નોંધપાત્ર બાબત એ છે કે, યુવક બચી ગયો છે પરંતુ કોર્પોરેશનના બે વિભાગ દ્વારા બાર કલાક સુધી સમગ્ર ઘટના ઉપર ઢાંકપિછોડો કરાયો હતો.એક અન્ય ઘટનામા શેલ્બી હોસ્પિટલ પાસે આવેલી દક્ષિણ-પશ્ચિમ ઝોનની કચેરી પાસે શહેર ભાજપ પ્રમુખની કાર ઉપર વૃક્ષ ધરાશાયી થયુ હતુ.મંગળવારે રાત્રિના સમયે યુવકની ભૂવામા ગરકાવ થવાની ઘટનાની મ્યુનિસિપલ કમિશનરે ગંભીર નોંધ લીધી હતી.તેમણે જયાં પણ મ્યુનિસપલ કોર્પોરેશનની કામગીરી ચાલતી હોય ત્યા ૧૦૦ મીટર પહેલા સાઈનેઝ મુકવા સુચના આપી હતી.

ડેપ્યુટી સીટી ઈજનેરને રજૂઆત કરાઈ હોવા છતાં બેદરકારી

ચોંકાવનારી બાબત તો એ છે કે,૨૭ એપ્રિલના રોજ ડેપ્યુટી સીટી ઈજનેરને સ્થાનિકો દ્વારા આ વિસ્તારમા ભૂવો પડવાની દહેશત હોવાની રજૂઆત કરવામા આવી હતી.પરંતુ સ્થાનિકોની રજૂઆતને કચરાપેટીમા નાંખી દેવામા આવી હતી.