Get The App

નસવાડી: રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી, મહિલાને કણસતી હાલતમાં ખાનગી જીપમાં ઘર સુધી લઈ જવાઈ

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
નસવાડી: રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી, મહિલાને કણસતી હાલતમાં ખાનગી જીપમાં ઘર સુધી લઈ જવાઈ 1 - image

Chhota Udaipur News : એક તરફ ભારત દેશ વિશ્વ સ્તરે 'AI ટેક્નોલોજી સમિટ' યોજીને ડિજિટલ ઇન્ડિયા અને આધુનિકતાના ડંકા વગાડી રહ્યો છે, ત્યારે ગુજરાતના છેવાડાના જિલ્લા છોટાઉદેપુરના નસવાડી તાલુકામાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતી એક અત્યંત કરુણ તસવીર સામે આવી છે. નસવાડી CHC (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) માં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર એક મહિલાને પાકા રસ્તાના અભાવે કણસતી હાલતમાં ખાનગી જીપમાં ઘરે જવાની ફરજ પડી છે.

એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી જ ન શકી

નસવાડી તાલુકાના કુંડા ગામના નોલીયાબારી ફળિયામાં રહેતી એક મહિલા કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા નસવાડી CHC ખાતે આવી હતી. ઓપરેશન બાદ જ્યારે તેને ઘરે પરત ફરવાનું હતું, ત્યારે સરકારી એમ્બ્યુલન્સ કે વાહન તે ફળિયા સુધી પહોંચી શક્યું નહીં. કારણ માત્ર એટલું જ હતું કે ગામના આ ફળિયા સુધી પહોંચવા માટે કોઈ પાકો રસ્તો જ નથી. માત્ર પથરાળ અને ઉબડખાબડ કાચો રસ્તો હોવાને કારણે એમ્બ્યુલન્સે આવવાનો ઇનકાર કરી દીધો.

ઓપરેશનના ટાંકા સાથે ખાનગી જીપની મુસાફરી

મહિલાના પતિ માલજીભાઈએ જણાવ્યું કે, હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પત્નીને કણસતી હાલતમાં જ એક ખાનગી જીપમાં બેસાડવામાં આવી હતી. ઓપરેશનના ટાંકા અને દુખાવા સાથે પત્નીને ઉબડખાબડ રસ્તા પર લઈ જવી એ મોટું જોખમ હતું. જે રસ્તે એમ્બ્યુલન્સ જેવું સુવિધાજનક વાહન ન જઈ શક્યું, ત્યાં એક ખાનગી વાહનમાં પત્નીને લાધવી પડી તે શાસકો માટે શરમજનક બાબત છે.

રૂ. 11 કરોડ મંજૂર, પણ કાગળ પર

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા આ કાચા રસ્તાને પાકો બનાવવા માટે અગાઉ 11 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. પરંતુ વહીવટી તંત્રની આળસને કારણે ટેન્ડર પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઈ નથી. કાગળ પર કરોડો રૂપિયા મંજૂર હોવા છતાં, જમીની હકીકત એ છે કે લોકો આજે પણ વર્ષો પુરાણી હાડમારી ભોગવી રહ્યા છે. નોંધનીય છે કે, અગાઉ આ જ ફળિયાની એક પ્રસૂતાને રસ્તાના અભાવે સમયસર સારવાર ન મળતા પોતાનું સંતાન ગુમાવવાનો વારો આવ્યો હતો.

નેતાઓ ક્યારે જાગશે?

વિધાનસભામાં મોટા મોટા ભાષણો આપતા નેતાઓ અને તંત્ર માટે આ દ્રશ્યો આખું ઉઘાડનારા છે. પ્રશ્ન એ થાય છે કે વિકાસની વાતો માત્ર શહેરો પૂરતી જ સીમિત છે? છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવામાં તંત્ર ક્યાં સુધી નિષ્ફળ જશે?