Gujarat

નરોડામાં ક્રેટામાંથી ₹6.54 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, એકની ધરપકડ

By GS TEAM
25 Apr 20262 mins read
નરોડામાં  ક્રેટામાંથી ₹6.54 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, એકની ધરપકડ

અમદાવાદ, શનિવાર

શહેરમાં ચૂંટણી અનુસંધાનમાંનરોડા પોલીસે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. દહેગામ રોડ પરથી પસાર થતી એક  સફેદ ક્રેટા કારમાંથી પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી. વી. નાયકને એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી એક સફેદ રંગની ક્રેટા કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને અમદાવાદમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. બાતમીમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ કાર દહેગામ રોડ થઈને બિલાસિયા રોડ તરફથી પસાર થવાની છે. આ બાતમીના આધારે પી.આઈ. નાયકની સૂચના મુજબ પોલીસ ટીમે બિલાસિયા રોડ પર  વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ ક્રેટા કાર આવતા જ પોલીસે તેને આંતરીને અટકાવી હતી. કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

કારની અંદરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 2,500 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત આશરે 6,54,000 આંકવામાં આવી છે. પોલીસે આ મામલે કાર ચાલક અયાનઅહેમદ ફારૂક કાદરી (રહે. કાશીરામ મામાની ચાલી, નરોડા)ની સ્થળ પર જ ધરપકડ કરી હતી. પોલીસે 6.54 લાખનો દારૂ અને 10 લાખની કિંમતની ક્રેટા કાર મળીને કુલ 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો અને તેને સ્થાનિક સ્તરે સપ્લાય કરવાનો હતો. આ ગુનામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને દારૂ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં નરોડા પોલીસે તપાસ તેજ કરી છે.