Get The App

નર્મદા: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ, સાઈકલ લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી ફેલાવી રહ્યો છે મતદાન જાગૃતિ

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
નર્મદા: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ, સાઈકલ લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી ફેલાવી રહ્યો છે મતદાન જાગૃતિ 1 - image

Gujarat Local Body Elections 2026: લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં જ્યારે મોટા નેતાઓ અને પક્ષો એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં વ્યસ્ત છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે નર્મદા જિલ્લામાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સૌના દિલ જીતી લીધા છે. કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા એક સામાન્ય શ્રમિકે પક્ષપાત ભૂલીને 'મતદાન જાગૃતિ'નું જે અભિયાન છેડ્યું છે, તે અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે.

સાઈકલ લારી પર લગાવ્યા રાજકીય પાર્ટીના ઝંડા

નર્મદાના રસ્તાઓ પર અત્યારે એક અનોખી સાઈકલ લારી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ લારી કોઈ મોટા નેતાની નથી, પરંતુ આખો દિવસ કચરો વીણતા એક જાગૃત નાગરિકની છે. તેની સાઈકલ લારી પર રાજકીય પાર્ટીના ઝંડા લહેરાઈ રહ્યા છે. કોઈ એક પક્ષનો પ્રચાર કરવાને બદલે તેઓ લોકોને માત્ર એક જ સંદેશ આપી રહ્યા છે કે, 'ગમે તે પક્ષને આપો, પણ મતદાન અચૂક કરો.'

'મને કોઈ પક્ષ પૈસા નથી આપતો, મારે જનતાને જગાડવી છે'

જ્યારે આ શ્રમિકને તેમની આ અનોખી પહેલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અત્યંત ગહન જવાબ આપ્યો. તેમણે કહ્યું, 'હું ચાર દીકરાનો પિતા છું અને કચરો વીણીને ઘર ચલાવું છું. મને કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી કે કોઈ મને પૈસા નથી આપતું. મારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે લોકો મને અને આ ઝંડાઓને જોઈને યાદ કરે કે ચૂંટણી આવી રહી છે અને આપણે વોટ આપવા જવાનું છે. જે પાર્ટી દેશ અને સમાજનું ભલું કરે તે સત્તામાં આવવી જોઈએ.'

આ પણ વાંચો: ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં

એરકન્ડિશન રૂમમાં બેસતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો

જે વ્યક્તિ પાસે રહેવા માટે પાકું મકાન નથી અને જેનો આખો દિવસ ગંદકી અને કચરા વચ્ચે વીતે છે, તેની આ લોકશાહી પ્રત્યેની સમજણ અને નિષ્ઠા જોઈને મોટા ગજાના લોકો પણ અચરજમાં છે. નર્મદા જિલ્લામાં અત્યારે ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. રાત્રિ દરમિયાન ખાટલા બેઠકો અને ડોર-ટુ-ડોર પ્રચારથી રાજકારણ ગરમાયું છે, પરંતુ આ શ્રમિકે સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં સૌથી મોટો 'રાજા' જાગૃત મતદાર છે.

નર્મદામાં ત્રિપાંખિયો જંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. તમામ પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ રાજકીય પક્ષોના પ્રચાર વચ્ચે આ શ્રમિકનું 'નિરપેક્ષ અભિયાન' લોકોમાં ભારે આદર જન્માવી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ જાગૃતિની અસર મતદાનના દિવસે કેટલી જોવા મળે છે.