Gujarat

3.8 ડિગ્રી ઠંડીથી નલિયા મિનિ કાશ્મીર તો 6 ડિગ્રીથી ગિરનાર બન્યો હિમાલય

By GS TEAM
11 Jan 20262 mins read
3.8 ડિગ્રી ઠંડીથી નલિયા મિનિ કાશ્મીર તો 6 ડિગ્રીથી ગિરનાર બન્યો હિમાલય

પૂર્વ-ઉત્તરના બર્ફિલા પવનોએ જનજીવનને ધૂ્રજાવ્યું

પશ્ચિમ કચ્છમાં કાતિલ ઠંડીથી બરફના હળવા થર જામ્યા, અમરેલી 7.6 ડિગ્રી અને રાજકોટમાં 8.9 ડિગ્રી સહિત આઠ શહેરોમાં 10 ડિગ્રી નીચે પારો ગગડયો

રાજકોટ: કાશ્મીર-હિમાલય ક્ષેત્રની બરફવર્ષા વચ્ચે પૂર્વ-ઉત્તર દિશાના બર્ફીલા પવનો ગુજરાત ઉપર ફરી વળતા ધૂ્રજાવી દેતી કાતિલ ઠંડી આજે પણ ચાલુ રહી છે. ખાસ કરીને સરહદી કચ્છ જિલ્લામાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. આજે રવિવારે કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન વધુ ગગડીને ૩.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ચાલુ સિઝનનું સૌથી નીચું તાપમાન છે. એ જ રીતે જૂનાગઢનો ગિરનાર પર્વત પણ આજે ૬.૨ ડિગ્રી ઠંડી સાથે મિનિ હિમાલય જેવો બની ગયો હતો. આ સાથે અમરેલીમાં પણ ૭.૬ ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડી જતાં જનજીવન થંભી ગયું હતું. 

આજે કચ્છના નલિયા અને આસપાસના વિસ્તારોમાં ઠંડી એટલી પ્રચંડ હતી કે વહેલી સવારે ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો, ખેતરોમાં પાક અને ઘરની બહાર પડેલી ચીજવસ્તુઓ પર બરફના થર જામી ગયેલા જોવા મળ્યા હતા. પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણા પંથકમાં લોકોએ જાણે કાશ્મીર જેવો અહેસાસ કર્યો હતો. નલિયામાં સીઝનનું સૌથી નીચું ૩.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે કંડલામાં ૮.૯ ડિગ્રી અને ભુજમાં પણ ૯ ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડયો છે. 

કચ્છ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. જેમાં અમરેલીમાં ૭.૬ ડિગ્રી, રાજકોટમાં ૮.૯ ડિગ્રી અને ગાંધીનગરમાં ૯.૫ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમદાવાદ, ભાવનગર, ડિસા, વડોદરા, મહુવામાં ૧૧-૧૨ ડિગ્રી સુધી કાતિલ ઠંડીના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે. ઠંડીના ડરથી શહેરો અને ગામડાઓમાં રાત્રે ૮ વાગ્યા બાદ સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે અને લોકો સવારે મોડા સુધી ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. પશુપાલકો અને ખેડૂતોએ ઠંડીથી બચવા માટે ઠેર-ઠેર તાપણાંનો સહારો લઈ રહ્યા છે.

ક્યાં કેટલી ઠંડી

નલીયા

૩.૮

ગીરનાર

૬.૨

અમરેલી

૭.૬

કેશોદ

૮.૫

રાજકોટ

૮.૯

કંડલા

૮.૯

ભુજ

૯.૦

ગાંધીનગર

૯.૫

સુ.નગર

૧૦.૦

પોરબંદર

૧૧.૫

જૂનાગઢ

૧૧.૩

જામનગર

૧૧.૬

અમદાવાદ

૧૧.૬

ભાવનગર

૧૨.૦

ડીસા

૧૨.૦

વડોદરા

૧૨.૪

મહુવા

૧૨.૬

દ્વારકા

૧૩.૬

સુરત

૧૪.૦

દીવ

૧૪.૩

વેરાવળ

૧૫.૫

ઓખા

૧૬.૮